રાજકોટ રેલવે સ્ટેસન પર પોરબંદર-દિલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા દિલ્લીના ઓટો બ્રોકરને પિસ્તોલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેલવે એલસીબી અને SOG ટીમ સયુંક્ત રીતે રેલવે પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ અને ચેકિંગમાં હતી. ત્યારે પ્લેટફોર્મ પર આવી પહોંચેલી દિલ્લી પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતાં એક શખ્સના કબ્જામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જેને અટકાવી તેનું નામ પૂછતા ઇન્દ્રપાલ સુરેન્દ્રપાલ નાગી (ઉ.વ.35) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હથીયાર કબ્જે કરી હથિયાર ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વિશેષ પૂછતાછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દિલ્લીમાં ઓટો બ્રોકર તરીકે કામ કરતો હોવાનું અને પોરબંદર તરફ હથિયાર લઈ જતો હોવાની આરોપીએ કબૂલાત આપી હતી.
દયાબેન હીરાભાઈ મોલીયા (ઉં.વ.71) સવારના 8.30 વાગ્યા આસપાસ પોતે પતિ સાથે વાહનમાં પાછળ બેસીને જતા હતા ત્યારે પીપર અને ખરેડી વચ્ચે પાછળથી પડી જતા માથામાં અને શરીરે ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યાં હતા. પતિ હીરાભાઈના માસીના દીકરા ખરેડી રહે છે. જેમના ઘરે વાસ્તુ પૂજન હતું જેથી હીરાભાઈ અને તેમના પત્ની દયાબેન બાઈક પર જતા હતા. રસ્તામાં વરસાદી વાતાવરણના કારણે ઠંડો પવન હોવાના કારણે દયાબેન પોતાની સાડી અને ઓઢેલી સાલ સરખી કરતા હતા, ત્યારે અચાનક બાઈક પરથી પડી ગયા હતા જેથી તેનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે.