રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલા અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના આરોપીઓ જૂનાગઢ જેલમાં છે. સગીરા પર અમિત ખૂંટે દુષ્કર્મ આચર્યાની રાજકોટ પોલીસ દફતરે અગાઉ ફરિયાદ નોંધાઇ હતી અને તપાસ બાદ ભાંડો ફૂટ્યો હતો કે, અમિત ખૂંટને ફસાવવા અનિરુદ્ધસિંહ સહિતનાઓના ઇશારે સગીરાને અમિત ખૂંટ પાસે મોકલવામાં આવી હતી.
આ બાબતનો ભાંડાફોડ થયો છતાં રાજકોટ પોલીસે અનિરુદ્ધસિંહ સહિતનાઓ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નહીં નોંધી આરોપીઓની મદદગારી કરી હોય તેવો ઘાટ સર્જાયો છે.
દુષ્કર્મ આચરવા અંગે રીબડાના અમિત ખૂંટ સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસ અમિત સામે કોઇ કાર્યવાહી કરે તે પહેલાં અમિત ખૂંટે રીબડામાં પોતાની વાડીએ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
અમિત ખૂંટ આપઘાત કેસમાં જિલ્લા પોલીસ સમક્ષ અત્તાઉલે કબૂલાત આપી હતી કે, અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના કહેવાથી તેણે સગીરાને અમિત ખૂંટ પાસે મોકલી હતી, આરોપી અત્તાઉલની કબૂલાતથી અનિરુદ્ધસિંહ સહિતનાઓએ કાવતરું રચી સગીરાને તેના શારીરિક અત્યાચાર માટે મોકલ્યાનું પણ સ્પષ્ટ થયું હતું, સગીરાનું શારીરિક શોષણ કરાવવા મુદ્દે અનિરુદ્ધસિંહ જાડેજા સહિતનાઓ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા 31 જુલાઇના સગીરાના પિતાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.
જોકે પોણા ત્રણ મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં અનિરુદ્ધસિંહ સહિતનાઓ સામે રાજકોટ પોલીસે ગુનો નહીં નોંધતાં સગીરાના પિતાએ તાજેતરમાં રાજ્યના પોલીસવડાને લેખિત ફરિયાદ કરી છે અને તાકીદે ગુનો નોંધવા માંગ કરી હતી.