થાઈ એરવેઝની ફ્લાઈટમાં એક બ્રિટિશ મુસાફરે ક્રૂ મેમ્બરને મુક્કો માર્યો. તેણે પ્લેનના ટોઇલેટમાં તોડફોડ પણ કરી હતી. તેમજ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. આ પછી તેની બ્રિટનના હીથ્રો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના 7 ફેબ્રુઆરીએ બની હોવાનું કહેવાય છે. જો કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં 35 વર્ષનો બ્રિટિશ નાગરિક ફ્લાઈટમાં હિંસા કરતો જોવા મળે છે.
આ ઘટનાનો વીડિયો ફ્લાઈટમાં હાજર એક મહિલાએ બનાવ્યો હતો. તેણે કહ્યું- બ્રિટિશ નાગરિક પોતાની સીટ પરથી ઊભો થયો અને ટોઇલેટમાં ઘુસ્યો. થોડીવાર પછી ટોઈલેટની અંદરથી તોડફોડનો અવાજ આવવા લાગ્યો. ત્યારબાદ તે વ્યક્તિએ ટોઇલેટનો દરવાજો જોરથી ખખડાવવાનું શરૂ કરી દીધું. દરવાજો તૂટવા લાગ્યો. દરવાજામાં લાગેલા બોલ્ટ બહાર આવવા લાગ્યા. આ પછી તે બહાર આવ્યો. લોકોએ તેને પકડવાની કોશિશ કરી. ત્યારે તેણે મારપીટ શરૂ કરી દીધી. અપશબ્દો બોલવા લાગ્યો. આ દરમિયાન એક ક્રૂ-મેમ્બર આવ્યો. વ્યક્તિએ તેને મુક્કો મારી દીધો. તે જમીન પર પડી ગયો. તેનાં નાકમાં ઈજા થઈ.