સરકારી સ્કીમના નામે વધુ એક વયોવૃદ્ધને છેતરવામાં આવ્યા છે. શહેરના બાપાસીતારામ ચોકમાં રહેતા નિવૃત્ત શિક્ષકને પોતે જ્યારે ઘર ખર્ચ માટે નાણાં ઉપાડી એસ્ટ્રોન ચોક પાસે આવેલી એસબીઆઇ બેન્કની બહાર આવ્યા ત્યારે ગઠિયાએ પેન્શનની સ્કીમના નામે વૃદ્ધના રૂ.49,500 પડાવી લઈ છેતરપિંડી કરી છે. ગઠિયાને પોલીસે ગણતરીીની કલાકોમાં ઝડપી લીધો હતો.
આ બનાવમાં શહેરના બાપા સીતારામ ચોક રૈયા રોડ ચંદન પાર્ક શેરી નં.7માં રહેતા અને નિવૃત્ત જીવન પસાર કરતા જયેન્દ્રભાઈ જીવણભાઈ સોઢા(ઉં.વ.81)એ એ-ડિવિઝન ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.05/01/2026ના બપોરના સાડા બારેક વાગ્યા આસપાસ ઘર ખર્ચ માટે પૈસાની જરૂરિયાત હોય જેથી બેંકમાંથી પોતે રૂ.50 હજાર ઉપાડ્યા હતાં.
બેંકની બહાર નીકળ્યા કે એક આધેડ ઉમરના વ્યક્તિએ તેને કહ્યું કે, તમે પેન્શનવાળા છો? જવાબમાં હા પાડતા જ તેણે આવો તમને સ્કીમ સમજાવું એમ કહી સાઈડમાં બોલાવ્યા હતા.
સ્કીમના લાભો મર્યાદિત સમય સુધી હોવાનું કહી સ્કીમનો લાભ લેવો હોય તો તમારી પાસે રહેલા પૈસા તમારે આપવા પડશે તેમ કહી પૈસા લઈને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે ત્રિકોણબાગ પાસેથી ઝડપી લઇ પૂછપરછ કરતા તેનું નામ ગુલાબ પોપટભાઇ હોથી અને આણંદપરનો રહેવાસી છે.