રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પેડક રોડ પર 2009માં કરોડો રૂપિયાના ખર્ચે પેડક રોડ પર શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગારનું નિર્માણ કરાયું હતું. આ સ્વિમિંગ પૂલ નિર્માણ કરાયા બાદ માત્ર 10 વર્ષના ટૂંકાગાળામાં બીજી વખત રિનોવેશન કરવાની મહાનગરપાલિકાને ફરજ પડી છે. આથી મહાનગરપાલિકાએ 1લી જુલાઇથી 9 મહિના માટે સ્વિમિંગ પૂલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ આ સ્વિમિંગ પૂલના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ રૂ.80.54 લાખમાં સદગુરુ ડેવલપર્સ નામની એજન્સીને આપ્યો છે.
મહાનગરપાલિકાના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર શહેરના પેડક રોડ પર આવેલા શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગરમાં છેલ્લા ઘણા સમયથી ફિલ્ટર પ્લાન્ટમાં ગંદું પાણી આવી જવાની, ટાઇલ્સ તૂટી જવાથી સ્વિમરોને ઇજા થવાની, પાણી સર્ક્યુલેશનના સ્થળે તરવૈયાઓના પગ ફસાઇ જવાની, અન્ડર ગ્રાઉન્ડ ટાંકો લીકેજ થવા સહિતની સમસ્યાઓ સર્જાઇ હતી. આ ઉપરાંત ટોઇલેટના દરવાજા તૂટી ગયા હતા અને મોટાભાગના નળ પણ બદલાવવા પડે તેમ હતા.
મહાનગરપાલિકાએ પેડક રોડ સ્વિમિંગ પૂલના શાવર રૂમ, ફ્લોરિંગ, ટોઇલેટના દરવાજા બદલવા, ટાઇલ્સ બદલવી, પાણીની રિસાઇકલની સ્થિતિ સુધારવી, પાણીના અન્ડર ગ્રાઉન્ડ ટાંકો લીકેજ હોય તેને એફઆરપી કોટિંગ કરવું સહિતના કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી જેમાં ચાર એજન્સીએ ભાગ લીધો હતો અને તેમાંથી સદગુરુ ડેવલપર્સને એસ્ટિમેટ કોસ્ટ રૂ.73.50 લાખ કરતાં 9.50 ટકા ઉંચા ભાવે એટલે કે રૂ.80.54 લાખના ખર્ચે કામ અપાયું છે. શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગારના સંચાલકે જણાવ્યું હતું કે, કુલ 2066 સભ્ય નોંધાયા છે. જેથી પેડક રોડના સ્વિમિંગ પૂલમાં નોંધાયેલા વાર્ષિક સભ્યોને રેસકોર્સ ખાતે લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે જવાની છૂટ અપાઈ છે.