પેંગોલિનની તસ્કરી મામલે ઝડપાયેલા 2 આરોપી 5 દિવસના રિમાન્ડ પર

વિશ્વમાં અતિ દુર્લભ ગણાતા પેંગોલિન (કીડીખાઉ)ની તસ્કરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ SOGએ ગીર સોમનાથના ઘાંટવડ ગામમાં દરોડો પાડી એક ઓરડીમાં ગોંધી રખાયેલી પેંગોલિનને મુક્ત કરાવ્યું છે. આ પેંગોલિનને આરોપીઓ 22 કરોડ રૂપિયામાં વેચવાની ફિરાકમાં હતા. ચીનમાં કેટલીક ગેરમાન્યતાના કારણે પેંગોલિનની તસ્કરી થતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઝડપાયેલા બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ પહેલા આ પ્રકારે કોઈ પ્રાણીની તસ્કરી કરવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ અને વનવિભાગે તપાસ હાથ ધરી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસીયાએ જણાવ્યું હતું કે, ગત 24 ઓક્ટોબરના રોજ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાને ગુપ્ત બાતમી મળી હતી કે, પેંગોલિન નામના દુર્લભ જીવને રાજકોટ લાવવામાં આવી રહ્યું છે. પેંગોલિન નામ અમારા માટે પણ નવું હતુ. જે બાદ વન વિભાગના અધિકારીઓને પૂછવામાં આવતા તેમને પણ આ પ્રકારની પ્રાણી જોયું ન હોવાનું જણાવ્યું હતુ. શરૂઆતમાં અમને એવું લાગ્યું કે કોઈ માણસ ચીટીંગ કરવા માટે અહીં આવતો હશે. પરંતુ વન્યજીવનના સંરક્ષણનો પ્રસંગ હોવાથી SOG PI જાડેજાની ટીમ દ્વારા હાથ ધરેલી તપાસમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામના બિજલ જીવાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો.

જેની પૂછપરછમાં સામે આવ્યું કે વન્યજીવ કીડીખાવ(પેંગોલીન) ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવાડ ગામે 28 વર્ષીય દીલીપ વિહાભાઇ મકવાણાએ ગોંધી રાખ્યુ હતુ. જેથી ટીમ ત્યાં જવા માટે તાત્કાલિક રવાના થઈ હતી અને અમુલ્ય વન્યજીવ કીડીખાવ (પેંગોલીન) નું રેસ્ક્યુ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

જે બાદ મોડી રાત્રે ઘાટવડ ગામે પહોંચી સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ મેળવી દેવથાનીયા જંગલ વિસ્તારમાં આતુભાઇ લાલકીયાની વાડીમા આવેલ પડતર ઓરડીમાં પાંજરામાં ગોંધી રાખેલ કીડીખાવ(પેંગોલીન) ને હસ્તગત કરવામાં આવ્યુ હતુ. જે પછી આરોપી દિલીપને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં પેંગોલીનનુ સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. જે બાદ આ વન્ય જીવને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે જામવાળા રેન્જ ફોરેસ્ટ ઓફીસરને સોંપવામાં આવ્યુ હતુ. પોલીસે જીવીત કીડીખાવ અને 2 મોબાઈલ કબજે કર્યા હતા અને બંને આરોપી સામે 1927 કલમ-2(4), તથા વન્ય પ્રાણી સંરક્ષણની 1972 ની કલમ 2(1), 2(11), 2(14), 2(16), 2(33), 2(35), 2(36), 9, 39, 43, 49, 50, 51, 52, 55 અને 57 હેઠળ ગૂનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *