પૂર્વ IPS સંજીવ ભટ્ટ ડ્રગ્સ કેસમાં દોષિત જાહેર

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ સામે નોંધાયેલા NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અત્યારે સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે. અને થોડીવારમાં સજાનું એલાન કરવામાં આવી શકે છે. હાલમાં સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ પર છે. નોંધનીય છે કે, સંજીવ ભટ્ટ પર 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી.

આ મામલે 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. 30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.

સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં, સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇ ખૂબ વિવાદ થયો હતો.

સંજીવ ભટ્ટે 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતા ખૂબ કાયદાકીય વિવાદ થયો હતો. આ સોગંદનામામાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે 2002ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી. તો બીજી તરફ ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *