શહેરના જામનગર રોડ પરના પચ્ચીસ વારિયા ક્વાર્ટર્સમાં યુવતી પર તેના પૂર્વ પ્રેમીના માસી સહિતનાઓએ હુમલો કરી યુવતીનો હાથ ભાંગી નાખ્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતી હોસ્પિટલના બિછાને પહોંચી હતી.
બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ, રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર્સમાં રહેતી ખુશી રિબડિયા (ઉ.વ.31) ઘર નજીક દશામાના મંદિર પાસે હતી ત્યારે ગીતા, તેના બે પુત્ર રવિ અને રાહુલ સહિતનાઓએ માથાકૂટ કરી ધોકા-પાઇપના ઘા ઝીંક્યા હતા.
હિચકારો હુમલો થતાં ખુશીએ દેકારો કરતાં લોકો એકઠા થઇ જતાં હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલી ખુશીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તેના હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી.
બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી, ખુશીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, અગાઉ અનિલ રિબડિયા સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તેની સાથે રહેતી હતી, પરંતુ અનિલ હેરાન કરતો હોઇ બે મહિના પહેલા તેને છોડી દીધો હતો અને હાલમાં રોહિત રિબડિયા સાથે રહે છે.
જે કારણે અનિલ કેટલાક દિવસથી માથાકૂટ કરતો હતો, મંગળવારે અનિલે ફડાકા માર્યા હતા અને ત્યારબાદ તેના માસી ગીતા અને તેના પુત્ર સહિતનાઓ ધસી આવ્યા હતા અને તેણે હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.