રાજકોટની ભાગોળે આવેલા મહિકા અને ભીચરી વચ્ચેની સીમમાં આવેલા અલખધણી આશ્રમમાંથી ચિંકારા હરણના શિંગડા સહિતના અવશેષો મળી આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. સાત વર્ષ પહેલાના આ કેસમાં અદાલતે આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ નાથુસિંહ રાજપૂતને 3 વર્ષની કેદ અને રૂ.25 હજારના દંડનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટ વનવિભાગે 2018ની સાલમાં બાતમીના આધારે રાજકોટની ભાગોળે ભાવનગર રોડ નજીક મહિકાથી ભીચરી જવાના રસ્તે આવેલા અલખધણી આશ્રમમાં તપાસ કરતા ત્યાંથી ચિંકારા હરણના માથાના શિંગડાવાળો ભાગ તેમજ પગની ખરી વગેરે અવશેષો મળી આવ્યા હતા.
ચિંકારા હરણ શેડયૂલ-1માં આવતું હોવાથી રેન્જ ફોરેસ્ટ ઓફિસરે આશ્રમના સંચાલક કાળુબાપુ ઉર્ફે જયસિંહ નાથુસિંહ રાજપૂત સામે વન્ય પ્રાણી સંરક્ષણ 1972 અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને મળી આવેલા પુરાવાઓ ધ્યાનમાં લઇ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ.શુક્લએ અલખધણી આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ રાજપૂતને દોષિત ઠરાવી 3 વર્ષની કેદ અને રૂ.25 હજારના દંડનો હુકમ કર્યો હતો. તેમજ જો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.