જૂની કલેક્ટર કચેરીમાં પુરવઠાની ઝોનલ ઓફિસમાં રેશનકાર્ડની કામગિરી થાય છે. જ્યાં અરજદારો સૌથી વધુ હોય છે, પરંતુ સામે માત્ર રોજના 30 જ ટોકન આપવામાં આવતા હતા. જેને કારણે અરજદારોને ધક્કા થતા હતા. એક બાજુ મુશ્કેલી હતી તેવામાં મંગળવારે બપોરે અચાનક કામગીરી બંધ કરી દેવાઈ હતી. જેને કારણે અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. કામગીરી બંધ કરી દેવાતા અને અપાતા ઓછા ટોકન અંગેની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. બાદમાં કામગીરી શરૂ કરી દેવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા.
આ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રેશનકાર્ડમાં નામ સુધારો, એડ્રેસમાં ફેરફાર, સહિતની કામગીરી માટે અરજદારો અહીં આવે છે. જેની સંખ્યા મોટી હોય છે, પરંતુ આ કચેરીમાં રોજ માત્ર 30 જ ટોકન આપવામાં આવતા હતા. મંગળવારે સવારે અરજદારો અને સ્ટાફ વચ્ચે બોલાચાલી થઇ હતી. અરજદારોના જણાવ્યાનુસાર બપોરે અચાનક કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જોકે આ અંગે કલેક્ટરને રજૂઆત કરાતા તેમણે પુરવઠા વિભાગને કામગીરીના આદેશ આપ્યા હતા ત્યારબાદ નવા ટોકનની ફાળવણી પણ કરવામાં આવી હતી અને સાંજે 6.00 સુધી રેશનકાર્ડની કામગીરી ચાલુ રહી હતી.
ટોકન લેવા માટે પણ અરજદારો ઓફિસ શરૂ થાય તે પહેલાં પહોંચી જાય છે અને ત્યારબાદ પણ લાંબો સમય સુધી લાઇનમાં ઊભું રહેવુ પડે છે. આમ, અરજદારોને અગવડતા પડે છે જેને કારણે તેઓમાં રોષની લાગણી ફેલાઈ હતી.બાદમાં મામલો થાળે પડ્યો હતો.