પુન: ખેતી માટે આંતરિક વેચાણની ખરાઈ ફરજિયાત

રાજકોટના પૂર્વ કલેક્ટર એચ.એસ. પટેલ પાસે રેવન્યુ તંત્રનો બહોળો અનુભવ હતો અને તેનો ઉપયોગ લોકોને સાચું માર્ગદર્શન અને સરકારની સેવા કરવાને બદલે કૌભાંડ કરવામાં જ કર્યો છે. જેનો વધુ એક પુરાવો ભાસ્કરની તપાસમાં ખુલ્યો છે. તરઘડીમાં જ અગાઉ બિનખેતીમાંથી કાયદેસર રીતે પુન:ખેતી કરવામાં એક જમીનમાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો તેમજ તેમાં બિનખેતી થયા બાદ પુન:ખેતી કરવા માટે 13 મુદ્દા માગવામાં આવ્યા હતા તે પૈકી એક મુદ્દો એકપણ પ્લોટ બીજા કોઇને વેચ્યો છે કે નહિ તેની તપાસ થઈ હતી. જોકે સરવે નં. 50માં આવી કોઇ તપાસ જ થઈ નથી.

રાજકોટના પડધરી તાલુકાના તરઘડી ગામે હાઈવે ટચ 12 એકર જમીન પુન: ખેતી કરીને પુર્વ કલેકટર એચ.એસ. પટેલે કરેલા 60 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ તપાસમાં પણ એક મહત્ત્વનો કાગળ એટલે કે બિનખેતી બાદ આંતરિક વેચાણ થયું છે કે નહિ તે ખરાઈ જ કરાઈ નથી. પુન:ખેતીની અરજી આવે એટલે 13 મુદ્દાની માહિતી માગવામાં આવે છે જેમાં એક મુદ્દો એવો પણ હોય છે કે બિનેખેતી થયા બાદ જે પ્લોટ બન્યા તેનું આંતરિક વેચાણ થયું છે કે નહીં. તરઘડીમાં સરવે નં.111 કે જે અનોપકુમાર નરસંગ ગઢવીની 8 એકર જમીન હતી કે જે 1990માં બિનખેતી થઈ હતી અને બાદમાં પ્લોટનું વેચાણ ન થતા 2005માં તેમના કુલમુખત્યાર તરીકે અજિત ખેંગાર વાઢેરે પુન:ખેતી માટે અરજી કરી હતી અને તે અન્વયે 06-08-2005ના સોગંદનામું રજૂ કર્યુ હતું જેમાં તેઓએ આ પ્લોટ કોઇને વેચ્યા નથી તેવું લખ્યું હતું. આ ઉપરાંત આ ખરાઈ કરવા માટે તંત્રએ 3-3 વર્ષ તપાસ કરી અને ત્યારબાદ રોજકામ કરીને પુન:ખેતીનો હુકમ કર્યો હતો. જો કે, સરવે નં.50 કે જેમાં તત્કાલીન કલેક્ટર એચ. એસ.પટેલને કૌભાંડ આચરવું હતું તેઓએ સબ રજિસ્ટ્રાર પાસે સરવે નં.50 પૈકીની જમીનમાં કોઇ આંતરિક વેચાણ થયા છે તેના દસ્તાવેજના નંબર માગ્યા ન હતા તેમજ તે અન્વયે હક્કપત્રકની નોંધ પણ ચકાસણી કરવાની ના પાડી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *