માલીયાસણમાં પુત્રને જન્મ આપ્યાના ત્રણ દિવસ બાદ 35 વર્ષીય હેતલબેન હાપલીયાનું બેભાન હાલતમાં મોત થયું હતું. આજે વ્હેલી સવારે 6.45 વાગ્યે હેતલબેને પતિ ભાર્ગવભાઈને જગાડી ‘મને કંઈક થાય છે’ તેમ કહી માથું પતિના ખંભા પર નાખી બેભાન થઈ ગયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયેલ હતા. બનાવથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે વહેલી સવારે હેતલબેન ભાર્ગવભાઈ હાપલીયા (ઉ. વ.35, રહે. માલિયાસણ ગામ તા. રાજકોટ)ને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇમર્જન્સી વિભાગમાં ડોક્ટરે જોઈ તપાસી હેતલબેનને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી જરૂરી પૂછપરછ કરતા, જાણવા મળેલ કે, હજુ ત્રણ દિવસ પહેલા શુક્રવારના રોજ નાનામવા રોડ પર સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે આવેલ માધવ મેટરનિટી હોસ્પિટલમાં હેતલબેને પુત્રને જન્મ આપ્યો હતો. જ્યાં તેમનું સીઝેરિયન ઓપરેશન થયું હતું. તબિયત સ્થિર હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દેવાતા તેઓ ઘરે આવી ગયા હતા. હેતલબેનની તબિયત સ્થિર જ હતી. પરંતુ આજે સવારે અચાનક હેતલબેનની તબિયત લથડી હતી.
તેઓએ પોતાના પતિ ભાર્ગવભાઈને જગાડ્યા હતા અને કહ્યું હતું કે મને કંઈક થઈ રહ્યું છે. આટલું કહીં હેતલબેને પતિના ખંભે માથું નાખ્યું હતું અને બેભાન થઈ ગયા હતા. પરિવારે તત્કાલ તેમને હોસ્પિટલ ખસેડ્યા પણ ત્યાં સુધીમાં હેતલબેને દમ તોડી દીધો હતો. હેતલબેનને સંતાનમાં એક પુત્રી છે જે 3 વર્ષની છે. જ્યારે ત્રણ દિવસ પહેલા જ પુત્રને જન્મ આપ્યો હતો.પતિ ફેક્ટરીમાં નોકરી કરે છે. હેતલબેનના સાસુ – સસરા સંતકબીર રોડ પર રહે છે. પરિવારજનો, સગા સંબંધીઓને જાણ થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બનાવથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પુત્ર જન્મથી જ્યાં આનંદ છવાયો હતો ત્યાં હવે શોક છવાયો છે.