રાજકોટ તાલુકાના પીપળિયા ગામેથી નકલી ગૌરી ઇંગ્લિશ સ્કૂલ મળી આવ્યા બાદ આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પાંચ વખત કુવાડવા પોલીસ મથકના અધિકારીને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ ન કરતા અમારા અધિકારીએ લેખિત ફરિયાદ આપી હતી જે પોલીસે અરજી તરીકે સ્વીકારી હજુ સુધી એફઆઇઆર નોંધી નથી તેમ ડીપીઇઓ દીક્ષિત પટેલે જણાવ્યું હતું.
ડીપીઇઓ દીક્ષિત પટેલે કુવાડવા પોલીસમાં કરેલી ફરિયાદ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા.4-7ના રોજ રૂકસાનાબેન શકીલભાઇ ઘેલાની મળેલી અરજી અન્વયે તા.25-7ના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પીપળિયા ખાતે નવીનનગર સોસાયટીમાં આવેલી ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલની રૂબરૂ મુલાકાત લેતા 4 દુકાનમાં એલકેજીથી ધો.10 સુધીનો અભ્યાસ કરતા બાળકો મળી આવ્યા હતા અને આ શાળાના કહેવાતા આચાર્યા કાત્યાનીબેન તિવારી અને અન્ય એક પુરુષ અને એક મહિલા દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ હતું.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસી કો-ઓર્ડિનેટરને સ્કૂલમાં પ્રવેશ કરતા પોલીસ બોલાવી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તપાસ કરતા અલગ-અલગ 3 દુકાનમાં બેન્ચ પર બેસીને અભ્યાસ કરતા 29 બાળકો મળી આવ્યા હતા. જે બાળકોને પૂછતા તેઓએ ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમ જણાવ્યું હતું.