રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં થોડા સમય પહેલા 16 પોલીસ ઇન્સ્પેકટર સાથે 60 પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી હતી. જે બાદ ગત મોડી રાત્રિના 275થી વધુ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જો કે, અગાઉની જેમ આ બદલી પણ સાયલેન્ટ રીતે કરવામાં આવી છે. અધિકારીઓને બંધ કવરમાં બદલીની યાદી આપવામાં આવી છે. બદલીની માહિતી લીક ન થવી જોઈએ તેવું કહી તમામને બદલીની જગ્યા પર હાજર થવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર બદલાતાની સાથે સ્ટાફમાં ઓન બદલાવ આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચમાં પણ નવા 15 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.
મોડી રાત્રે પોલીસકર્મીઓની એકાએક બદલી
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગત મોડી રાત્રે ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકની બદલીનો લીથો બહાર પાડી તાત્કાલીક નિમણૂક થયેલા ફરજના સ્થળે હાજર થવાનું ફરમાન કર્યું છે. મોડી રાત્રે થયેલી એકાએક બદલીના રાઉન્ડથી પોલીસકર્મીઓમાં દોડધામ સાથે ઉત્સુકતા જાગી હતી. ગાંધીગ્રામ, થોરાળા, યુનિવર્સીટી, તાલુકા અને પ્રદ્યુમનનગર સહીત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 275થી વધુ કર્મીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચમાં પણ 15થી વધુ પોલીસ કર્મચારીઓને નિમણૂક આપવામાં આવી છે.
15થી વધુ પોલીસકર્મીની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના નવનિયુક્ત PI એમ.આર.ગોંડલીયાએ અગાઉ જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેવા તાલુકા અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાંથી કેટલાક તેમના માનીતા કર્મીઓની બદલી કરાવી ક્રાઇમ બ્રાન્ચમાં ઓર્ડર કરાવ્યા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. જેમાં ASI જે.ડી.વાઘેલા, પ્રવિણ વાસાણી, ASI આર.બી. જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માલવીયાનગર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે.જી.ઝાલા, ઉમેશભાઈ આહિર, હરદેવસિંહ રાણા સહિત 15થી વધુનો સ્ટાફ ક્રાઇમ બ્રાન્ચમાં ફાળવવામાં આવ્યો છે.