પિતાના મૃત્યુના 25મા દિવસે એકના એક પુત્રએ વૃદ્ધ માતા અને છ બહેનોને અંધારામાં રાખી ખાંભા ગામમાં આવેલી જમીનમાંથી તમામ લોકો હક હિસ્સો જતો કરે છે તેવું સોગંદનામું કરાવી લઇ પોતે જમીન પર કબજો જમાવી દીધો હતો, ખેડૂતને મળતી સહાય બંધ થતાં વૃદ્ધાએ તપાસ કરાવી ત્યારે પુત્રએ જ કૌભાંડ આચર્યાનો ભાંડાફોડ થયો હતો.
શહેરના ઓમનગર પાસેના ધરમનગરમાં પુત્રીના ઘરે રહેતા ગૌરીબેન ગોવિંદભાઇ પરમારે (ઉ.વ.75) તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ સગા પુત્ર મવડીમાં રહેતા દિનેશ ગોવિંદભાઇ પરમારનું નામ આપ્યું હતું.
ગૌરીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી છે, પતિ ગોવિંદભાઇના નામની જમીન લોધિકાના જશવંતપુરમાં આવેલી હતી, તે જમીન ગોવિંદભાઇએ વર્ષ 2017માં રૂ.58.50 લાખમાં વેચી દીધી હતી, જેની સામે ગોવિંદભાઇએ ખાંભા ગામમાં રૂ.19.70 લાખમાં ખેતીની જમીન ખરીદ કરી હતી અને તે જમીનમાં ગૌરીબેન, તેમની છ પુત્રી અને પુત્રનો હક્ક હિસ્સો છે તેવી નોંધ પણ કરાવવામાં આવી હતી.
વર્ષ 2017માં ગોવિંદભાઇના મૃત્યુના 25મા દિવસે માતા અને છ બહેનો ગોવિંદના ઘરે હતા ત્યારે પુત્ર દિનેશે બેંકના કામના નામે માતા અને છ બહેનોની રૂ.100ના સ્ટેમ્પ પેપર પર સહી કરાવી લીધી હતી. જોકે તે સોગંદનામામાં લખ્યું હતું કે, ખાંભાની જમીનમાંથી ગૌરીબેન અને તેની છ પુત્રી હક્કહિસ્સો જતો કરે છે.
ત્યારબાદ ગૌરીબેનને ખેડૂત ખાતેદાર તરીકે સરકાર તરફથી ત્રણ મહિને રૂ.2 હજાર બેંકમાં જમા થતા હતા તે રકમ જમા થવાનું બંધ થતાં ગૌરીબેન અને તેની પુત્રીએ બેંકે જઇ તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે, ગૌરીબેન અને તેમની પુત્રીઓએ ખાંભાની ખેતીની જમીનમાંથી સંપૂર્ણ હક જતો કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.