પિતાના ત્રાસથી ઘર છોડી અમદાવાદ ભાગી ગયેલા સગીરને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શોધી કાઢ્યો

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના જોધપુરના વતની પરિવારનો 16 વર્ષનો સગીર પુત્ર ગત તા. 11 ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. આ સમયે માતા-પિતા વતનમાં હતા અને મોટો ભાઈ વિવેક શાકભાજી લેવા ગયો હતો. વિવેક ઘરે પરત ફરતા ભાઈ ગુમ હોવાનું જણાયું હતું અને તેનો ફોન પણ બંધ આવતો હતો. આ બાબતે માતા ભારતીબેન સાવરીયાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કેસની ગંભીરતા જોઈ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે સગીર અમદાવાદમાં છે. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સગીરને અમદાવાદથી સલામત રીતે શોધી કાઢ્યો હતો. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, પિતા અવારનવાર મારકૂટ કરતા હોવાથી કંટાળીને પુત્ર અમદાવાદની કોઈ હોટલમાં કામ કરી લેશે તેવું વિચારીને ઘરેથી ભાગી ગયો હતો. હાલ પોલીસે સગીરનો કબજો પરિવારને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં દારૂની મહેફિલ માણી પરત ફરતા કચ્છના 5 મિત્રો ઝડપાયા મોરબી રોડ પર વેલનાથપરા ઓવરબ્રિજ પાસે ગત રાત્રે પેટ્રોલિંગમાં રહેલી બી ડિવિઝન પોલીસની ટીમે શંકાસ્પદ રીતે સર્પાકાર ચાલતી કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ અને ટીમ દ્વારા રાત્રિના 12:30 વાગ્યા આસપાસ કાર નંબર GJ 12 CG 3520 ને રોકી ચાલક ભાવિન ભર્યાની પૂછપરછ કરતા તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તેની સાથે કારમાં સવાર અન્ય મિત્રો હાર્દિક દેવજીભાઈ ચાવડા, ઇન્દ્રજીત માયાભાઈ ચાવડા, ધ્રુવ ભરતભાઈ મહેશ્વરી અને દીપેન શામજીભાઈ મકવાણા પણ નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા.

આ તમામ શખસો કચ્છના માંડવી, ભુજ અને ગાંધીધામ વિસ્તારના વતની છે અને રાજકોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પાંચેય મિત્રો લગ્ન પ્રસંગમાં દારૂની પાર્ટી કર્યા બાદ મોડી રાત્રે પરત વતન જઈ રહ્યા હતા, ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે કારચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય ચાર શખસો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *