આજી વસાહતમાં રહેતા પિતાના ઘરેથી પરત ફરતી વખતે ગોંડલ ચોકડી પાસે ડમ્પરની ઠોકરે ચડી જતાં પરિણીતાનું મોત નીપજ્યું હતું. પરિણીતા પગપાળા ઘેર પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં દુર્ઘટના સર્જાઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી પાસે રહેતી સોનલબેન ભાવિનભાઈ સોલંકી(ઉં.વ.22)નામની મહિલાનું ગોંડલ ચોકડી નજીક ચાલીને જતી વખતે ડમ્પરની ઠોકરે આવી જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બનાવ અંગે જાણ થતાં 108ના તબીબે જોઈ તપાસી મહિલાને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આજી ડેમ પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સોનલબેન મૂળ ગોંડલના વતની હતા. આજી વસાહતમાં રહેતા તેના પિતાના ઘરેથી ચાલીને ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક બે ભાઈ અને બે બહેનમાં મોટા હતા અને એક વર્ષ પૂર્વે તેમના લગ્ન થયા હતા.