રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં શુભમ પાર્કમાં રહેતા રાજસ્થાની પરિવારનો 16 વર્ષ 6 માસનો કિશોર અચાનક ગુમ થતાં પરિવાર ચિંતિત બન્યો હતો. આજી ડેમ પોલીસ મથકમાં અપહરણ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. દરમિયાન એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ટેક્નિકલ સોર્સની મદદથી ગુમ થયેલા કિશોરને અમદાવાદમાંથી શોધી કાઢ્યો હતો. રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની ચાંદનીબેન ઉર્ફે ભારતીબેન મનોજભાઈ સાવરિયાએ ગત તા.13-3ના રોજ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના ત્રીજા નંબરનો પુત્ર દીપક (ઉ.વ.16) ગુમ થયો છે.
ગત તા.11-3ના રોજ ફરિયાદી અને તેમના પતિ સાતમના તહેવાર નિમિત્તે રાજસ્થાન ગયા હતા. તે દરમિયાન રાત્રે મોટા પુત્ર ગણેશનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, દીપક ઘરમાં ન હતો અને તેનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. આ ઘટનાને પગલે આજી ડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય સોર્સની મદદથી દીપકને અમદાવાદમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન દીપકે જણાવ્યું હતું કે, તેને બાઈક ખરીદવી હતી, પરંતુ પિતાએ હાલ થોડો સમય રાહ જોવાનું કહેતા તે રિસાઈને ઘર છોડીને નીકળી ગયો હતો.