લોધિકાના પાળ ગામે નદીએ નહાવા પડેલા બે મિત્રો પૈકીનો રૈયાધારમાં રહેતો યુવક ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત નીપજ્યું હતું. રાજકોટથી ત્રણ મિત્રો પાળ ગામે નદીમાં નહાવા ગયા હતા જેમાં એક મિત્ર બહાર ઊભો હતો અને બે મિત્રો નદીમાં પડયા હતા જેમાં યુવકનું મોત નીપજ્યું હોવાનું તેમજ આ બનાવની કરૂણતા એ છે કે, મૃતક યુવકના ઘેર એક માસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો અને યુવાન ત્રણ બહેનોમાં એકના એક ભાઇ હોવાનું અને પરિવારનો આધારસ્થંભ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૈયાધારમાં રહેતો અજય રાજુભાઇ સમેચા (ઉ.25) પોતાના મિત્ર હુડકો ચોકડી પાસે રહેતો પ્રવીણ દેવાભાઇ અને રૈયામાં રહેતો બાવા હીરાભાઇ સાથે પાળ ગામે જસવંતપુરા નજીક નદીમાં નહાવા માટે ગયા હતા જેમાં અજય અને પ્રવીણ નદીમાં પડ્યા હતા. જેમાં અજય ઊંડા પાણીમાં ગરક થઇ જતા તેના મિત્ર પ્રવીણે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બહાર નીકળી શક્યો ન હતો. બનાવને પગલે બન્ને મિત્રોએ જાણ કરતા ફાયર બિગ્રેડ સ્ટાફે પહોંચી લાંબા સમયની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢયો હતો. બનાવને પગલે લોધિકા પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવાન રૈયાધારમાં પરિવાર સાથે રહેતો અને ચંદ્રેશનગરની શાકમાર્કેટમાં લીંબુ, મરચા સહિતનો મસાલો વેચી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ત્રણ બહેનમાં એકના એક ભાઇ હોવાનું અને પરિવારનો આધારસ્થંભ હોવાનું અને તેને સંતાનમાં એક માસનો પુત્ર હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.