પાલિતાણા ફાઇલ્સના તાર રાજ્ય બહાર 2700 આધાર નંબરો સાથે છેડછાડ કરી

પાલિતાણામાં આધારકાર્ડ સાથે છેડછાડ કરી અને તેના આધારે જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ બિલિંગ અંગેના કૌભાંડમાં અત્યાર સુધીમાં 1102 કરોડની ગેરરીતિ સપાટી પર આવી છે. 2700 આધાર નંબરો સાથે છેડછાડ કરવામાં આવેલી છે, અને પાલિતાણા ફાઇલ્સના તાર રાજ્ય બહાર સાથે જોડાયેલા હોવાથી સંબંધિત રાજ્યને સૂચિત કરવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી-2023માં સુરત સ્ટેટ જીએસટીની સ્થળ ચકાસણી ડ્રાઇવ દરમિયાન પેઢીઓમાંથી ગેરરીતિ મળી આવી હતી. અને તે પૈકીની બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન પાલિતાણામાં આધારકાર્ડ સાથે છેડછાડ કરી મેળવાયા હોવાનું ખુલતા એસજીએસટીએ વિસ્તૃત તપાસ કરતા સમગ્ર કૌભાંડ સપાટી પર આવ્યુ હતુ. કૌભાંડની તિવ્રતાને ધ્યાનમાં રાખી અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવેલી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાલિતાણા ફાઇલ્સના આધારે સમગ્ર દેશમાં આશરે 19,000 કરોડના બોગસ બિલિંગ વડે કરચોરી કરવામાં આવેલી છે, અને તેના 25% કરચોરી ગુજરાતમાં થયેલી છે. જો કે, સીટના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર કૌભાંડ ડુંગળીના ફોતરા ઉતારવા જેવું છે, જેમ જેમ તપાસ કરતા જાઇએ છીએ તેમ તેમ નવા નવા ફણગાં ફુટતા જાય છે. પાલિતાણા ફાઇલ્સના તાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પૂર્વોત્તરના રાજ્યો સાથે જોડાયેલા હોવાથી સ્ટેટ જીએસટી દ્વારા સંકળાયેલા રાજ્યોના સંબંધિત વિભાગોને તેની તપાસ કરવા માટે દસ્તાવેજી માહિતી સુપરત કરવમાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *