પાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર અને એકાઉન્ટન્ટ સામે માત્ર ગ્રેડ ઘટાડી ડિસમિસ થતાં બચાવી લેવાયા

જેતપુર નગરપાલિકામાં વર્ષ 2018માં ઘનકચરાના કોન્ટ્રાકટના ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિની ફરીયાદમાં તકેદારી આયોગ દ્વારા સેનિટેશન ઇન્સપેક્ટર અને એકાઉન્ટન્ટ પર પગલાં ભરવાના અભિપ્રાય બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બંને કર્મચારીઓને હાલના હોદા કરતા એક ગ્રેડ નીચો એક વર્ષ સુધી પગાર આપવાના પગલાં ભરવાના હળવા પગલાં ભરી કર્મચારીઓને ડિસમિસ થતા બચાવી લીધાં હતા.

જેતપુર નગરપાલિકામાં વર્ષ 2018માં શહેરમાંથી ઘનકચરો વજનના આધારે ઉપાડવાનું એક ટેન્ડર તત્કાલીન ચીફ ઓફિસર ભરત વ્યાસ દ્વારા બહાર પાડવામાં આવેલ. ત્યારબાદ આ ટેન્ડરની કોઈ પ્રક્રિયા ન કરી ફેરાના ભાવે ઘન કચરો ભરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેથી નગરપાલિકામાં વિરોધપક્ષના નેતા અજીતસિંહ જાડેજા દ્વારા ટેન્ડરમાં ગેરરીતિ આચરી નગરપાલિકાને આર્થિક નુકશાન પહોંચાડવાની તકેદારી આયોગમાં ફરીયાદ કરી હતી. જે ફરીયાદની સાત વર્ષ સુધી તપાસ બાદ તકેદારી આયોગના તપાસમાં ફરીયાદ ખરી પુરવાર થતા ટેન્ડર પ્રક્રિયા સાથે જોડાયેલ સેનિટેશન ઇન્સપેક્ટર તેમજ એકાઉન્ટન્ટ સામે પગલાં ભરવા માટે ચીફ ઓફિસર અશ્વિન ગઢવીની સૂચના આપેલ હતી.

જે સૂચના અંગે ચીફ ઓફિસર અશ્વિન ગઢવીને પૂછતાં તેઓએ જણાવેલ કે આ અંગે હેડ ક્લાર્ક દિપક પટોડીયા પાસેથી માહિતી લઈ લો જેથી હેડ ક્લાર્કને પૂછતાં તેઓએ જણાવેલ કે, તકેદારી આયોગની સૂચના અનુવયે આ બંને કર્મચારી સેનિટેશન ઇન્સપેક્ટર હર્ષદ ટાટમીયા અને તત્કાલીન એકાઉન્ટન્ટ હાલ ઇન્ટરનલ ઓડિટર બી.કે. મોરબીયા વિરુદ્ધ પગાર ગ્રેડ ઘટાડવાનો, નોકરીમાંથી કાયમી રૂખસદ એટલે કે ડિસમિસ કરવાના અને નોકરીમાંથી રૂખસદ સાથે અન્ય ક્યાંય નોકરીને પાત્ર ન થાય તેવા પગલાં ભરવાનું હતું. જેમાંથી ચીફ ઓફિસર દ્વારા આ બંને કર્મચારીઓને એક વર્ષ સુધી હાલ જે પદ પર છે તેનાથી એક ગ્રેડ નીચેનો પગાર આપવાના પગલાં ભર્યા હતાં. જ્યારે તત્કાલીન ચીફ ઓફિસર ભરત વ્યાસ પર કોઈ પગલાં ભરવાના થાય છે કે નહીં તેવું પૂછતાં તેઓએ જણાવેલ જે, હા મુખ્ય અધિકારી તરીકે તેઓ ઉપર પણ પગલાં ભરવાની સૂચના હશે પરંતુ હવે તે અહીં નોકરી નથી કરતા અને તેઓ પર શહેરી વિકાસ વિભાગ પગલાં ભરી શકે.આમ, ચીફ ઓફિસર દ્વારા પોતાના તાબાના બે કર્મચારીઓને ડિસમિસ થતા બચાવી લીધા હતાં. જોકે થોડા સમય પૂર્વે નગરપાલિકામાં સત્તાધીશ ભાજપના નારાજ સભ્યોએ ચીફ ઓફિસર કોન્ટ્રાક્ટરો પાસે દસ ટકાની ટકાવારી લ્યે છે અને સેનિટેશન ઇન્સ્પેક્ટર વીસ જેટલા સફાઈ કર્મચારીઓની ખોટી હાજરી પૂરતા હોવાની રજુઆત કરી હતી. ચીફ ઓફિસર પોતાના તાબાના કર્મચારીઓ પર આકરા પગલાં નહિ ભરે તેવી વાત પેલાંથી જ નારાજ સભ્યો આક્ષેપ કરતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *