રાજકોટમાં કટારીયા ચોકડી પાસે આવેલા મોદીનગર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે રહેતા મહિલાના ઘર ઉપર પથ્થરમારો કરી દંપતીને જાનથી મારી નાખવા ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી CCTVના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાલતુ શ્વાન કરડવા બાબતે ફરિયાદ કરવા ગયેલા યુવાનને ઇન્જેક્શન નહીં લગાવવું પડે એવું સમજાવવા જતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના સાગરીતોને બોલાવી દંપતીના ઘર પર પથ્થરમારો કર્યો હતો.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું 7 વર્ષથી કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદાર તરીકે કામ કરૂ છું. ગઈ તા.04.01.2026ના રોજ સાંજના હું મારા પતિ તથા બાળકો ઘરમા હતા ત્યારે બાજુમા આવેલ વંડામાં તેમના માણસો પણ ત્યા બહાર બેસતા અને અમારા ઘરેથી પીવા માટે પાણી લઈ જતા. તેમનો એક માણસ અમારા ઘરમાં ફરી વાર પાણી લેવા માટે આવ્યો તે વખતે અમારૂ પાલતુ શ્વાન તે છોકરા તરફ દોડતા તે બહાર ભાગી ગયો હતો. બાદમાં હું તથા મારા પતિ અમે ઘરની બહાર નીકળતા આ છોકરો જેનુ નામ મને આવડતુ નથી તે ત્યાં ઉભો હતો. જેથી મે તેને સમજાવ્યું કે, પુછ્યા વગર કેમ ઘરમા આવે છે આમ કહેતા તેણે કહ્યું કે હું આની પેલા પાણી લેવા માટે આવ્યો તેમ પાણી લેવા માટે આવ્યો હતો.
બાદમાં તમારા શ્વાને મને બટકુ ભર્યું છે તેમ જણાવતા મે જોયું તો તેને ફક્ત હાથના ભાગે ઉજરડો પડેલ હતો. જેથી, અમે કહ્યું કે આમા તારે ઈંજેકશન નહી લેવુ પડે કારણ કે અમે અમારા શ્વાનને ઈન્જેક્શન અપાવેલ છે, જેથી આ છોકરો ઉશ્કેરાય જઈને રામભાઈ સોલંકી, તુફાનભાઈ બાબરીયા અને લાલુભાઈ ચંદુભાઈ મૈયડને ફોનથી જાણ કરતા તેઓએ તેમના બીજા માણસોને ફોન કરી અને અમારી સાથે ઝઘડો કરવા બહારથી બોલાવ્યા હતા. થોડીવારમા 6 માણસો જે અમારી જ્ઞાતીના રામભાઈ સોલંકી તથા તુફાનભાઈ બાબરીયા તથા લાલુભાઈ ચંદુભાઈ મૈયડાનાઓના કહેવાથી આવ્યા હતા અને બધાયે મોઢે રૂમાલ બાંધેલ હતા જેથી હું ઓળખી શકી નહી અને તેઓ તમામ બે ગાડીમા આવ્યા હતા પોતાના હાથમા ધોક્કા લાવ્યા હતા.