પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન માલસામાનના પરિવહન અને પાર્સલ આવકના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝને તેના ઈતિહાસમાં પ્રથમ વખત રૂ. 15 કરોડની આવકનો આંકડો વટાવીને વ્યાપારી ક્ષેત્રે નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી દીધો છે.સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગત નાણાકીય વર્ષમાં ડિવિઝને કુલ રૂ. 15.05 કરોડ રુપિયાની આવક મેળવી છે.આ આંકડો પાછલા નાણાકીય વર્ષ 2024-25ની રૂ. 10.54 કરોડની આવકની તુલનાએ 43.10%નો તોતિંગ અને નોંધપાત્ર વધારો દર્શાવે છે.
વ્યૂહાત્મક આયોજન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ રાજકોટ ડિવિઝનની આ ઐતિહાસિક સફળતા પાછળ ઉપલબ્ધ સંસાધનોનું સુવ્યવસ્થિત સંચાલન અને આધુનિક વ્યૂહરચના જવાબદાર છે.ડિવિઝન પાસે રહેલી 42 અસ્કયામતો (Assets)નો મહત્તમ અને પૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.આ આયોજનને કારણે કાર્યક્ષમતામાં ધરખમ વધારો જોવા મળ્યો છે.રેલવે તંત્ર દ્વારા ખાસ કરીને લોડિંગ ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો,જેના પરિણામે રેલવેની ખાલી રહેતી જગ્યાઓનો આવક પેદા કરવા માટે ઉપયોગ થઈ શક્યો છે.
24 ટનની ક્ષમતાની 34 પાર્સલ વેનનું અદ્દભૂત સંચાલન સંસાધનોના અસરકારક ઉપયોગના ભાગરૂપે,ડિવિઝને પ્રથમ વખત 24 ટનની ક્ષમતા ધરાવતી 34 પાર્સલ વેન (VP)ને વિવિધ ટ્રેનો સાથે જોડીને તેનું કુશળ સંચાલન કર્યું હતું. આ વધારાની પાર્સલ વેનને કારણે 765.16 ટન વધારાના માલનું લોડિંગ શક્ય બન્યું હતું,જેના દ્વારા રેલવેની તિજોરીમાં રૂ. 66.09 લાખની વધારાની આવક ઉમેરાઈ છે.આ વ્યૂહરચનાને કારણે ડિવિઝન ટ્રાફિકના નવા સ્ત્રોતો શોધવામાં અને જૂના ગ્રાહકોને વધુ સુવિધા આપવામાં સફળ રહ્યું છે.
રાજકોટ અને આસપાસના વિસ્તારોના ઉદ્યોગો માટે રેલવે હવે પરિવહનનું પ્રથમ પસંદગીનું માધ્યમ બની રહ્યું છે.ડિવિઝન દ્વારા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું સલામત અને ઝડપી પરિવહન કરવામાં આવ્યું છે,જેમાં અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.