રાજકોટના રજપૂતપરામાં પાર્ક વ્યૂ હોટેલ ધરાવતા કાળુભાઇ વિરજીભાઇ પાનસુરિયા નામના વેપારી રૂ.35 લાખ માગતાં હોય તે ન ચૂકવવા અને સામા રૂ.71 લાખ કઢાવવા માટે પ્રફુલગીરી ગોસ્વામીએ દિનેશ મૂછડી, રમેશ બોરીચાને હવાલો આપ્યો હતો અને ત્યારબાદ કાળુભાઇ ગત તા.17-10ના રોજ પાર્ક વ્યૂ હોટેલથી સ્વામિનારાયણ મંદિર જવા નીકળતા બન્ને શખ્સોએ તેના પર પાઇપ, ધોકા વડે જીવલેણ હુમલો કરી ફ્રેક્ચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં પકડાઇને જેલહવાલે થયેલા રમેશ બોરીચાએ ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી જે અદાલતે ફગાવી દીધી હતી.
આ કેસમાં સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે સુરેશ ફળદુએ એવી રજૂઆતો કરી હતી કે, બન્ને આરોપીઓએ ખૂનની કોશિશ કરેલ હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થતું હોવા છતાં બીએનએસ કલમ-308(5), 109 તથા 61 (ઇપીકો કલમ-386, 307, 120(બી)) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ નથી કે કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી. અગાઉ આ જ આરોપીઓએ આ પ્રકારે ધમકી આપી હતી અને તે અન્વયે પોલીસ કમિશનરને તા.10-9-2024ના રોજ ફરિયાદ આપવા છતાં આરોપીઓને ગુનો કરવા પોલીસે લાઇસન્સ આપેલ હોય તે રીતે તા.17-10ના રોજ ફિલ્મી સ્ટાઇલથી લોકોના શ્વાસ થંભી જાય તે રીતે જીવલેણ હુમલો કર્યો હતો. ગુનાનું સ્વરૂપ, પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનું સ્વરૂપ, ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ફરિયાદ પક્ષને નુકસાન પહોંચાડવાની દહેશત હોય જામીન અરજી નામંજૂર કરવા માગણી કરી અદાલતે જામીન અરજી નામંજૂર કરી હતી.