પાર્ક કરેલું ઈલેક્ટ્રિક વાહન ભડભડ સળગી ઊઠ્યું, યુવક સારવારમાં

શહેરના કૈસરે હિંદ પુલ, મુસ્લિમ લાઇન પાસે રહેતા એક બેટરીવાળું વાહન ધરાવતા વ્યક્તિએ તેમના ઘરના ફળિયામાં પાર્કિંગ કરેલું વાહન બંધ હાલતમાં જ એકાએક ભડકે બળવા લગતા ઘરમાં મોટી આગ લાગી હતી. વાહનની બેટરી ફાટી જતા આ દુર્ઘટના ઘટી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

બનાવની મળતી વિગત અનુસાર, શહેરના કૈસરે હિંદ પુલ, મુસ્લિમ લાઇન પાસે રહેતા સંદીપભાઈ ભરતભાઈ વાઘેલા(ઉં.વ.35) નામના યુવાને સિવિલ હોસ્પિટલ શ્વાસ લેવામાં તકલીફના કારણે સારવાર લીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક વિગત મેળવતા તેમને જાણવા મળ્યું હતું કે, દર્દીને ઇલેક્ટ્રિક વાહનમાં બેટરી ફાટી જવાના કારણે જે આગ ઉત્પન્ન થઈ હતી, તેનો ધુમાડો અસર કરતાં શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

બનાવ અંગેની વધુ માહિતી મુજબ, રવિવારે સાંજના સાતેક વાગ્યા આસપાસ દર્દીના ઘેર ફળિયામાં એકાએક વિકરાળ આગ લાગતા, ઘરમાં નાસભાગ મચી જવા પામી હતી. દર્દીના ઘરમાં આગ લાગવાનું મૂળ કારણ ઇલેક્ટ્રિક વાહનની બેટરી ફાટી ગઈ હતી જેનાથી દુર્ઘટના સર્જાઈ હતી. દર્દીને તે અંગે પૂછતાં વાહન તેના મોટા ભાઈ રોહિતભાઈ અરવિંદભાઈ વાઘેલાનું હતું તેમ જણાવ્યું છે અને તેણે અંદાજિત 2 વર્ષ પહેલાં આ વાહન જામનગરના કોઈ શોરૂમમાંથી ખરીદ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *