શાપરના પારડીમાં શનિવારે રાત્રે વિચાર માત્રથી ધ્રુજાવી દે તેવી ભયંકર ઘટના બની હતી. રાહદારી પરપ્રાંતીય યુવકને ચાર શ્વાને ફાડી ખાધો હતો. યુવકનું રાજકોટ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. યુવાનના શરીરના લોચા શ્વાનોએ કાઢી નાખ્યા હતા. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.
પારડી ગામ નજીક કિસાન ગેટ તથા રેઇન્બો ટેક્નોકાસ્ટ ફેક્ટરી નજીકથી શનિવારે મધરાત્રે એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને શાપર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં શાપર પોલીસ સ્ટેશનના પીઆઇ રાણા સહિતની ટીમ હોસ્પિટલે દોડી આવી હતી. યુવકના શરીર પર ગંભીર ઇજા જોવા મળી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરાયાની એક તબક્કે શંકા ઊઠી હતી. પોલીસે તપાસ કરતાં ઇજાગ્રસ્ત યુવક બિહારનો વતની બિજયદાસ સહદેવદાસ (ઉ.વ.40) હોવાનું ખુલ્યું હતું અને ટૂંકી સારવાર બાદ બિજયદાસનું મૃત્યુ થયું હતું. પોલીસે ફોરેન્સિક નિષ્ણાત પાસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. યુવકને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા પણ હતી.