પાનખરમાંથી વસંત બનવા માટે સંતો, મહંતો અને ભગવંતોના શરણે જવું અનિવાર્ય છે

રૂપાયતન રોડ સ્થિત ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી અને પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીની પાવન નિશ્રામાં ‘વધામણા વસંતના’ એ વિષય ઉપર પ્રવચન યોજાયું હતું. ઋતુની અંદર શ્રેષ્ઠ ઋતુ વસંતઋતુ છે. પાનખરની વિદાય થતાં વસંતનું આગમન થાય છે. એકવીસમી સદીમાં ઘણાંના જીવન પાનખર જેવા બની ગયા છે. મંદી, માંદગી, મોંઘવારી, ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર જેવા ભોરીંગોએ જ્યારે માનવને ચારેય બાજુથી બાનમાં લીધો કે ત્યારે ભલભલાનું જીવન પાનખર જેવું બની ગયું છે. પાનખરમાંથી વસંત બનવા માટે સંતો, મહંતો અને ભગવંતોના શરણે જવું અનિવાર્ય છે. એમ પંન્યાસ પદ્મદર્શનવિજયજીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું છે, વસંત ઋતુ એટલે સર્વત્ર હરિયાળી. અત્યારે સર્વ ક્ષેત્રે માનવમન ડિસ્ટર્બ છે. પારસ્પરિક પારિવારિક સંબંધોમા તિરાડો પડવા માંડી છે. કૌટુંબિક લાગણીના સંબંધોમાં પણ વાવાઝોડું ત્રાટક્યું છે. સામાજિક ક્ષેત્રે પણ પરંપરાઓ તૂટી પડી છે. સામાજિક એખલાસના ફનાં-ફાતીયા બોલાઈ રહ્યા કે આર્થિક ક્ષેત્રે માણસ પાયમાલ થઈ રહ્યો છે. આના કરતાં બીજી પાનખર કઈ હોઈ શકે ? જીવનની પાનખરને દૂર કરવા માટે ભક્તિ, મૈત્રી અને શુદ્ધિની આવશ્યકતા છે. વસંત ઋતુ એટલે આનંદનો ઉત્સવ. વસંત ઋતુનું આગમન થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. આપણી પ્રકૃતિનું સૌન્દર્ય મહેંકાવવું હોય તો સરસ્વતી માતાનું શરણ સ્વીકારવું જોઈએ. વસંત એ સૃષ્ટિનું સૌન્દર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *