પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વરસાદી પાણીનો ભરાવો

જસદણના ચિતલીયા કૂવા રોડ પર સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ફરતે ચોમાસા દરમિયાન સતત પાણી ભરાયેલા રહેતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા આસપાસ વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે અને આ મામલે જસદણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે.

ચિતલીયા કુવા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાની આસપાસ દર ચોમાસે પાણી ભરાવવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પ્રતિમા ફરતે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પ્રતિમાની સુંદરતા તો ઝાંખી પડી જ છે, પરંતુ સાથે જ અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યા અંગે અનેકવાર જસદણ પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે, છતાં આજદિન સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સરદાર પટેલ જેવી રાષ્ટ્રીય વિભૂતિની પ્રતિમા ફરતેની દુર્દશા જોઈને નગરજનોમાં ભારે નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોખંડી પુરુષની પ્રતિમા ફરતે વરસાદી પાણી પણ જાણે ન જવાની જીદ કરતું હોય તેવું દ્રશ્ય જસદણમાં દર ચોમાસે સર્જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *