પાડોશી દંપતીનો આધેડ પર છરીથી હુમલો

શહેરના જંગલેશ્વર એકતા સોસાયટીમાં રહેતા અને લાદી કામની મજૂરી કરતાં યુપીના આધેડના ઘરનું પાણી પાડોશીના ઘર તરફ જતું હોઇ અને આ આધેડના ઘર પાસે પાડોશી ટેમ્પો રાખતાં હોઇ આ બાબતે બોલાચાલી થતાં પાડોશીએ તેની પત્ની સાથે મળી છરીથી હુમલો કરી ઢીકાપાટુ મારતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં જંગલેશ્વર એકતા કોલોની-4 ગુલાબભાઇની ઓરડીમાં ભાડેથી રહેતાં અશોકકુમાર કરતારામ પાસવાન (ઉ.વ.45) દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આવેશ અને તેના પત્નીના નામ આપ્યા હતા.

અશોકકુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મુળ યુપીના વતની છે. અહીં લાદી કામની મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. રવિવારે તે તેના કુટુંબી ભાઇ રાજન સાથે બહાર આંટો મારવા ગયા હતા. તે સમયે દીકરો સન્ની ઘરે હતો. આંટો મારીને પાછા ઘરે આવ્યા ત્યારે પાડોશમાં રહેતો આવેશ અને તેની પત્નીએ ઝઘડો કર્યો હતો. આવેશે તેઓને છરીનો ઘા જમણા સાથળમાં મારી દીધો હતો. તેમજ બીજો ઘા છાતીમાં મારી દીધો હતો. તેની પત્નીએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. જે દરમિયાન તેના પુત્ર સન્ની અને કુટુંબી ભાઈ રાજને તેને વચ્ચે પડ્યા હતા. અને તેમને તાત્કાલીકપણે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવનું મુખ્ય કારણ તેઓના ઘરનું નહાવા-ધોવાનું પાણી આ દંપતીના ઘર પાસે જતું હોઇ અને આવેશ તેનો ટેમ્પો તેઓના ઘર પાસે રાખતો હોઇ આ બાબતે અવારનવાર માથાકૂટ થતા આધેડની પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પરથી આરોપી દંપતી સામે ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *