પાટીદાર ચોક પાસે સદ્દભાવના નર્સરીની ઓફિસમાં ચોરી

શહેરમાં ચોરીના વધુ એક બનાવમાં સામાજિક સંસ્થાની ઓફિસમાં દસ લાખની રોકડ ભરેલી તિજોરી તસ્કરો ચોરી ગયાનો બનાવ સામે આવ્યો છે. મવડી ચોકડી પાસે શિવપાર્કમાં રહેતા સંજયભાઇ આંબાભાઇ રામાણી નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે સરકારી હોસ્પિટલમાં કાઉન્સિલર તરીકે નોકરી કરવાની સાથે માનવ સેવા ટ્રસ્ટમાં સદ્દભાવના નર્સરીમાં નાણાકીય વહીવટ સંભાળી સેવાકાર્ય કરું છું. બુધવારે સાંજે સાડા સાત વાગ્યે સંસ્થામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા મુકેશભાઇ, રૂષિતભાઇ, હર્ષદભાઇ સાથે પોતે ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા.

સંસ્થામાં આવતા નાણાં સાચવવા માટે ઓફિસમાં તિજોરી રાખેલી છે. ત્યારે ગુરુવારે સવારે આઠ વાગ્યે અમારા સુપરવાઇઝરે ફોન કરી તમારી ઓફિસમાં ચોરી થઇ હોવાની અને ઓફિસમાં રહેલી તિજોરી પણ ગાયબ હોવાની વાત કરી હતી. ઓફિસની બારીની ગ્રીલ પણ તૂટેલી જોવા મળી હતી.

જ્યારે ગુમ થયેલી તિજોરીમાં નર્સરીમાં કામ કરતા માણસોને ચૂકવવાના રૂ.10,12,622ની રકમ રાખી હોવાથી ત્યાં લગાડાયેલા સીસીટીવી ચેક કરતા રાત્રીના એક વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં મોઢે બુકાની બાંધેલા બે તસ્કર ઓફિસ પાસે આવી ખોલતા હોવાનું નજરે પડ્યું હતું. બાદમાં પાછળની બારીની ગ્રીલ તોડી બંને ઓફિસમાં પ્રવેશ કરી ટેબલ નીચે ફિટ કરેલી તિજોરી કાઢીને લઇ જતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *