પાકિસ્તાન પોતાના જ લોકો પર બોમ્બમારો કરે છે

મંગળવારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાશ્મીર પર ખોટો પ્રચાર ફેલાવવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત, પર્વતનેની હરીશે કહ્યું, “પાકિસ્તાન એક એવો દેશ છે, જે પોતાના જ લોકો પર બોમ્બમારો કરે છે અને નરસંહાર કરે છે.”

હરીશે કહ્યું, “જે કોઈ પોતાના લોકો પર બોમ્બમારો કરે છે અને 4 લાખ મહિલા પર બળાત્કાર જેવા અમાનવીય ગુનાઓ કરે છે તેને બીજાને શિખામણ આપવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાન દુનિયાનું ધ્યાન ભટકાવવા અને ગેરમાર્ગે દોરવા માટે જૂઠાણાં ફેલાવે છે.”

તેમણે આ નિવેદન એક પાકિસ્તાની અધિકારીના આરોપ બાદ આપ્યું હતું કે કાશ્મીરી મહિલાઓ દાયકાઓથી જાતીય હિંસાનો સામનો કરી રહી છે. ભારતે ફરી કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશાં રહેશે.

હરીશે કહ્યું, “પાકિસ્તાન એ જ દેશ છે, જેણે 1971માં ઓપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું હતું અને તેની સેનાને 4 લાખ મહિલા નાગરિકોના નરસંહાર અને સામૂહિક બળાત્કારનું વ્યવસ્થિત અભિયાનને મંજૂરી આપી હતી. દુનિયા પાકિસ્તાનના આ ખોટા પ્રચારને સારી રીતે જાણે છે.”

પાકિસ્તાની સેનાએ 1970માં ઓપરેશન સર્ચલાઇટ હેઠળ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં ક્રૂર કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 30 લાખ લોકો માર્યા ગયા હતા અને મહિલા નાગરિકો પર બળાત્કાર ગુજાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *