પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં બંને પક્ષના 300થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 500થી વધુ ઘાયલ થયા છે. બંને દેશો એકબીજાને આગળ પણ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દખલગીરી કરશે? ત્યારે તેમણે કહ્યું કે હું દખલગીરી કરી શકું છું, પરંતુ મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. પાકિસ્તાન આ સમયે ઘણું સારું કરી રહ્યું છે.
બીજી તરફ, પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે દેશમાં થતા આતંકી હુમલાઓ પાછળ ભારતની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે આ ગતિવિધિઓ માટે અફઘાન તાલિબાનના ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સંઘર્ષની શરૂઆત ગુરુવારે મોડી રાત્રે થઈ, જ્યારે અફઘાનિસ્તાને 22 ફેબ્રુઆરીના રોજ થયેલા પાકિસ્તાની એરસ્ટ્રાઈકના જવાબમાં કાર્યવાહી કરી.
ત્યારબાદ પાકિસ્તાને ‘ઓપરેશન ગઝબ-લિલ-હક’ શરૂ કર્યું. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા, નંગરહાર અને અન્ય પ્રાંતોમાં એરસ્ટ્રાઈક કરી.