પાકિસ્તાને સોમવાર રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાની એરફોર્સના લડાયક વિમાનોએ રાજધાની કાબુલના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આમાં 400 લોકોના મોત થયા છે જ્યારે 250 થી વધુ લોકો ઘાયલ છે.
અહેવાલો મુજબ, દારુલઅમાન, અર્જાન કીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ અનેક સ્થળોએ ધડાકા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક વ્યસન મુક્તિ હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા. તાલિબાને આ હુમલાની કડક નિંદા કરતા તેને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો છે અને કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે.
બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે જણાવ્યું કે હુમલા કાબુલ અને નંગરહારમાં સ્થિત સૈન્ય ઠેકાણાઓ, ટેકનિકલ ઉપકરણોના ભંડાર અને હથિયારોના સંગ્રહ સ્થાનો પર કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ પાકિસ્તાનના નાગરિકો વિરુદ્ધ હુમલામાં કરવામાં આવી રહ્યો હતો.