માતા- પિતા અને વિદ્યાર્થીઓ પર ભણતરનો આર્થિક ભાર ઘટાડવા માટે વર્ષા ફાઉન્ડેશને અનોખી પહેલ કરી છે જે અંતર્ગત ધોરણ 5થી લઇને 10 વિદ્યાર્થીઓને જંકફૂડ, ફેશન અને દેખાદેખી પાછળ કરતા ખર્ચને બંધ કરાવ્યા છે. આ માટે જેટલી રકમનો ખર્ચ આવતો હતો તેટલી રકમ અલગ કાઢશે અને તેની બચત કરશે. આ સિસ્ટમ 20 વર્ષ સુધી ચાલશે. આ રકમમાંથી ધોરણ 12 પછી, કોલેજ પછી જે કાંઈ ઉચ્ચ અભ્યાસ હશે તેમાંથી જ પૂરો કરવામાં આવશે.
આ પહેલ અંગે વર્ષા ફાઉન્ડેશનના સ્થાપક વિનોદભાઈ પટેલ જણાવે છે કે, આજના સમયમાં શિક્ષણનો ખર્ચ દિન- પ્રતિદિન વધી રહ્યો છે. એક પરિવારમાં બે બાળક અભ્યાસ કરતા હોય તો માતા-પિતાની મોટાભાગની રકમ શિક્ષણ માટે જ વપરાઇ જાય છે. પ્રાથમિક તબક્કે એક મહિના સુધી અલગ-અલગ ઉંમરના બાળકોને મળ્યા તેની જીવનશૈલીના અભ્યાસમાં તારણ નીકળ્યું કે, કુલ રકમની 50 ટકાથી વધુ રકમ ફેશન, મોજશોખ અને જંકફૂડ પાછળ વપરાઇ જાય છે. ફરી વખત વિદ્યાર્થી અને તેના માતા-પિતા સાથે બેઠક કરવામાં આવી. જે પરિવારમાં બાળકો- તેના માતા-પિતા હોટેલમાં જમવા જતા હતા, નિયમિત ફરવા જતા હતા, જંકફૂડ માટે વાપરતા હતા. તેને એક મહિના સુધી બંધ કરાવ્યું. આથી વિદ્યાર્થી અને વાલીઓને પણ ખબર પડી કે આ દરેક વગર પણ જીવનનિર્વાહ થઇ શકે છે. આથી, વિદ્યાર્થીઓએ કાયમી ધોરણે આ દરેક ચીજવસ્તુનો ત્યાગ કર્યો. પરિણામ સ્વરૂપ ભવિષ્યના શિક્ષણ માટે બચત એકત્રિત થતી ગઈ. આ સિવાય ઉચ્ચ અભ્યાસ માટે માતા-પિતા કે વિદ્યાર્થીઓને લોન લેવાની પણ જરૂર નહીં પડે.