બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીને તેના 30 વર્ષના અભિનય કારકિર્દીમાં પહેલીવાર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે તે ભાવુક થઈ ગઈ અને કહ્યું કે, તેણે આ પુરસ્કાર તેના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યો છે, જેમણે હંમેશા આ ક્ષણનું સ્વપ્ન જોયું હતું.
રાની મુખર્જીએ કહ્યું, ‘આ સન્માન મેળવીને મને ખૂબ જ ગર્વ અને ખુશી થાય છે. આ એવોર્ડ, ખાસ કરીને તે બધાં લોકો માટે છે, જેમણે છેલ્લા 30 વર્ષથી મારી સફળતા માટે કામના કરી છે. મારો પરિવાર, મિત્રો અને શુભેચ્છકો. મારા ચાહકોનો આનંદ જોઈને હું ભાવુક થઈ ગઈ.’
પોતાના પિતાને યાદ કરતાં રાનીએ કહ્યું, ‘મારા પિતા હંમેશા ઇચ્છતા હતા કે, મને રાષ્ટ્રીય પુરસ્કાર મળે, પરંતુ તેઓ જીવતા હતા, ત્યારે એવું ક્યારેય બન્યું નહીં. હવે, તેઓ જ્યાં પણ હશે, મને ખાતરી છે કે, તેઓ ખૂબ ખુશ થશે અને મને આશીર્વાદ આપશે. મારા પિતા મારા સૌથી મોટા સમર્થક હતા અને આજે તેમનું સ્વપ્ન સાકાર થયું છે.’