કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને ચોક્કસ જગ્યાએથી કે દુકાનેથી જ પુસ્તકો, સ્ટેશનરી, ગણવેશ કે શૂઝ લેવાનો આગ્રહ રાખતી હોવાને લઈને કુલ 28 જેટલી શાળાઓને અગાઉ ડીઈઓએ નોટિસ આપી ખુલાસો પૂછ્યો હતો. આ 28 પૈકી 12 શાળાનું ગુરુવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં હિયરિંગ રાખ્યું હતું. જે શાળાઓએ લેખિતમાં ખુલાસો કરી દીધો છે તેમના નિવેદન લેવામાં આવ્યા હતા અને જેમણે ખુલાસો આપ્યો નથી તેવી કેટલીક શાળાઓએ ખુલાસો આપવા માટે મુદત માગી હોવાનું જાણવા મળ્યું છે. તમામ સ્કૂલનું હિયરિંગ પૂર્ણ થઇ ગયા બાદ ડીઈઓ દ્વારા દંડ સહિતની કાર્યવાહી કરાશે.
ડીઈઓની ટીમે 7 દિવસમાં જુદી જુદી 42 જેટલી શાળામાં ચેકિંગ કર્યું હતું જેમાં મોટાભાગની શાળાઓમાં વાલીઓને ચોક્કસ સ્થળેથી જ યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો કે અન્ય સ્ટેશનરીની વસ્તુઓ લેવા દબાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત કેટલીક શાળામાં વેકેશનમાં શિક્ષણકાર્ય ચાલતું હોવા મુદ્દે, ફાયર એનઓસી નહીં હોવા સહિતના મુદ્દે કુલ 28 જેટલી શાળાને ડીઈઓએ નોટિસ ફટકારી હતી. તેઓના હિયરિંગ તા.19ને ગુરુવારથી ચાર દિવસ યોજવાનું નક્કી કર્યું છે. હાલ હિયરિંગના પહેલા દિવસે 12 જેટલી શાળાના સંચાલકને બોલાવાયા હતા અને તેમના નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ સ્કૂલના હિયરિંગ પૂરા થઇ ગયા બાદ કઈ સ્કૂલ સામે કેવા પગલાં લેવા, કઈ સ્કૂલને કેટલો દંડ કરવો તે માટેની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.