પશ્ચિમ રેલવેએ છેલ્લા છ મહિનામાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધીમાં જુદી જુદી 78 જેટલી ટ્રેનમાં જનરલ કેટેગરીના 150 જેટલા નવા કોચ જોડ્યા છે. રેલવે દ્વારા અનરિઝર્વ્ડ એટલે કે રિઝર્વ ટિકિટ સિવાયના યાત્રીઓની સુવિધા માટે વધારાના જનરલ કેટેગરીના ડબ્બા જોડ્યા છે. આવું કરવાથી દરરોજ આશરે 20 હજારથી વધુ યાત્રિકો સરળ અને આરામદાયક મુસાફરી કરી શકશે. પશ્ચિમ રેલવે અને રાજકોટથી આવતી-જતી મોટાભાગની ટ્રેનોમાં રિઝર્વ કોચ કરતા જનરલ કેટેગરીમાં યાત્રિકોનો ટ્રાફિક પ્રમાણમાં વધુ હોય છે. આ ટ્રાફિક ઓછો કરવા અને યાત્રિકોને વધુ સારી અને આરામદાયક સુવિધા આપવા વધારાના જનરલ કોચ જોડ્યા છે.
રેલવે દ્વારા આર્થિકરૂપે અશક્ત વર્ગો અને અન્ય લોકો માટે સુવિધાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. સામાન્ય ડબ્બાઓની વધતી માંગને પૂરી કરવા માટે એક સ્પેશિયલ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષમાં 1914 કોચ પહેલેથી જોડવામાં આવી ચૂક્યા છે. જેમાં 384 ઈએમયુ કોચ અને 185 મેમૂ કોચ છે, જે અનરિઝર્વ્ડ શ્રેણીના યાત્રીઓ માટે સુવિધા સુનિશ્ચિત કરે છે. આનાથી લગભગ 72 લાખ યાત્રી લાભ મેળવશે તેમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકેજણાવ્યું હતું.