રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશિપમાં ગુરુવારે મોડીરાત્રે એક ફિલ્મી પણ ચોંકાવનારી ઘટના બની હતી. પરિણીત યુગલ ફ્લેટમાં હતું ને પરિણીતાનો પતિ આવી જતા પ્રેમી ચોથા માળેથી પાઈપ મારફતે ભાગીને નીચે ઉતરવા ગયો અને નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મવડી વિસ્તારના 80 ફૂટ રોડ ઉપર આવેલ આવાસ યોજનાના લક્ષ્મણ ટાઉનશીપમાં એક અજાણ્યો યુવાન ચોથા માળેથી પટકાતા ગંભીર ઇજા થયાની જાણ 112 ઉપર કરાઈ હતી. જેથી જનરક્ષક ઇન્ચાર્જ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે 108 આવી જતા ઇએમટી સ્ટાફે આ યુવાનને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની તાલુકા પોલીસ મથકના એએસઆઈ નિલેષભાઈ ચાવડા સહિતનાને જાણ થતા સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં, મૃત્યુ પામનારનું નામ મનીષ રમણિકભાઈ ધોળકિયા(ઉં.વ.38)છે અને તે મેટોડામાં ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. મૃતક યુવાન મૂળ કાલાવડનો વતની હતો અને તેને બે સંતાનો છે. બનાવને પગલે બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
આ મનીષ મવડીની લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતી એક પરિણીત મહિલાને મળવા માટે તેના ઘરે ગયો હતો. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન જ અચાનક મહિલાનો પતિ ઘરે આવી પહોંચ્યો હતો. બાદમાં ગભરાઈ ગયેલો મનીષ પકડાઈ જવાની બીકે તાત્કાલિક બાલ્કનીમાં જઈ છુપાઈ ગયો હતો. જોકે, મહિલાના પતિને ઘરમાં કોઈ અન્ય વ્યક્તિની હાજર હોવાની શંકા જતાં તેણે બાલ્કનીમાં પણ તપાસ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે મનીષ ચોથા માળેથી ગેસની પાઈપલાઈન પકડી નીચે ઉતરવાનો જોખમી પ્રયાસ કરતો હોય અને હાથની પાઈપ ઉપરની પકડ છૂટી જતા નીચે પટકાયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.