રાજકોટ શહેરના રામનાથપરા પાસે રહેતી પરિણીતાને તેમના પતિ અને સાસુ-સસરા દ્વારા શારીરિક ત્રાસ આપવામાં આવતા આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કોમલબેન મોહિતભાઈ પરમારના લગ્ન મોહિત દિલિપ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ સાસરે જવાથી તેમને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. પરિણીતાએ તેમના પતિ મોહિત ઉપરાંત સસરા દિલિપ વાલાભાઈ પરમાર અને સાસુ ગોમીબેન દિલિપભાઈ પરમાર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જફના આધારે પોલીસે પરિણીતાનાં પતિ અને સાસુ-સસરા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં રાજકોટનાં કણકોટ ગામ રામનગર પાસેના ન્યારી ડેમમાં નાહવા પડેલા એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. મૃતકનું નામ હર્ષ મંગલાપ્રસાદ દુબે છે, જેમની ઉંમર અંદાજે 19 વર્ષ હતી. તેઓ શહેરનાં 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર ઓપરેટરો મૌલિક ચણિયારા, નિલેશ વડેખણિયા, હાર્દિક વાઘેલા, મયુર મેતાલિયા અને સિદ્ધરાજસિંહ સોઢા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને લાશને બહાર કાઢીને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.