કોઠારિયા ગામે રહેતા અને પેલેસ રોડ પર સોનાના દાગીનાની દુકાન ધરાવતા સોની યુવક સાથે મિત્રના મિત્રે સોનું ખરીદવાનું કહી એક નેકલેસ અને બે સોનાના બિસ્કિટ લઇ ગયા બાદ પરત ન કરી રૂ.31.77 લાખની છેતરપિંડી કરી છે.
આ બનાવમાં કોઠારિયા ગામમાં નચિકેતા હિલ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.609માં રહેતા અને પેલેસ રોડ પર આશાપુરા મંદિરની સામે એનેક્ષ ગોલ્ડ નામની સોનાના દાગીનાની દુકાન ધરાવતા કિશન કનુભાઈ કાકડિયા(ઉં.વ.28) દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેન્દ્રનગરના હર્ષ દીપકભાઈ સિનોજિયાનું નામ આપ્યું હતું.
સોની યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે સોની કામ કરી વેપાર કરી ગુજરાન ચલાવે છે. ગત તા.26/09ના રોજ તેના મિત્ર ડેનિસ ગોધાણીનો તેને ફોન આવ્યો હતો. ડેનિસે તેના મિત્ર હર્ષ સિનોજિયાને દાગીના લેવા હોઈ જેથી રાજકોટ તેની દુકાને આવવાનો છે તેમ ફોનમાં વાત કરી હતી. આ દિવસે હર્ષ બપોરના ત્રણેક વાગ્યે તેની દુકાને આવ્યો હતો અને બે સોનાના નેકલેસ પસંદ કરી આ બંનેમાંથી એક સેટ રાખવાનો છે તેનું પેમેન્ટ કરી દઈશ અને બીજો પાછો આપી દઈશ તેમ વાત કરી બંને નેકલેસ સાથે લઇ ગયો હતો. આ બંને સેટમાં એક 66.070 ગ્રામનું સોનું જેની કિં.રૂ.8.87 લાખ તથા બીજું 51.150 ગ્રામ જેની કિં.રૂ.6.78 લાખ છે.
ત્યારબાદ આ હર્ષે એક નેકલેસના રૂ.8.87 લાખ આરટીજીએસથી ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ આ હર્ષ તા.1/10ના રોજ તેની દુકાને આવ્યો અને તેને ફાઈન સોનું ખરીદવું હોઈ તેમ કહેતો હતો. બિસ્કિટ ખરીદી તેનું બાદમાં પેમેન્ટ કરી દઈશ તેમ વાત કરી આ હર્ષ 100 ગ્રામ વજન અને રૂ.12.07 લાખ કિંમતનું સોનાનું બિસ્કિટ લઈને ગયો હતો. બીજા દિવસે ફરી એક 100 ગ્રામ વજન ધરાવતું બિસ્કિટ લઇ ગયો હતો. તેણે સાંજ સુધીમાં પેમેન્ટ કરી દેવાનું કહી સોનું કે પૈસા પરત ન આપી યુવક સાથે રૂ.31.77 લાખની ઠગાઈ કરતા આ મામલે એ-ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.