પદવીદાન સમારોહની તારીખ હજુ પણ અનિશ્ચિત, 40 હજાર વિદ્યાર્થીઓ બે માસથી ડિગ્રીથી વંચિત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહની તારીખ હજુ અનિશ્ચિત થતા ગોલ્ડ મેડાલિસ્ટ સહિત અંદાજિત 40 હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી અટકી પડી છે. જ્યાં સુધી સમારોહ ન યોજાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી મળી શકે નહીં. અગાઉ 29 ડિસેમ્બરે આ સમારોહ યોજવાનો હતો, પરંતુ હવે ફેબ્રુઆરીના અંત સુધીમાં યોજાવાની કોઈ સંભાવના નથી.

બે-બે મહિનાથી પદવીદાન સમારોહ નહીં યોજાતા 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રીથી હજુ વંચિત રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તો કેટલાકને વિદેશ અભ્યાસ માટે ડિગ્રી જરૂરી હોય છે જેઓ હજુ પ્રવેશ નહીં લઇ શક્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે. જોકે આ સમગ્ર મામલે જ્યાં સુધી રાજ્યપાલ પદવીદાન સમારોહની તારીખ નહીં આપે ત્યાં સુધી કાર્યક્રમ થઇ શકશે નહીં.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ અગાઉ 29 ડિસેમ્બરે યોજાનાર હતો, પરંતુ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘના નિધનને પગલે રાષ્ટ્રીય શોક જાહેર થતા કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. ત્યારબાદ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ફેબ્રુઆરીમાં યોજવા માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ 02 ફેબ્રુઆરી, 09 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરી એમ ત્રણ તારીખ રાજ્યપાલ સમક્ષ મોકલી હતી જેમાંથી કોઈ એક તારીખ રાજ્યપાલ ફાઈનલ કરી અને યુનિવર્સિટીને તે તારીખે પદવીદાન સમારોહ કરવા અનુમતિ આપવાના હતા, પરંતુ 16 ફેબ્રુઆરીનો સમય પણ જતો રહ્યો છે હજુ સુધી પદવીદાન સમારોહની તારીખ નક્કી થઇ શકી નથી.

નવો એક્ટ લાગુ થયા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલા આ પદવીદાન સમારોહમાં નવી બોડી એટલે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્યો, જુદી જુદી ફેકલ્ટીના ડીન પણ ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્રના 120 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને આશરે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવનાર છે. તારીખ નક્કી થયા બાદ રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારોહ યોજાશે અને વિદ્યાર્થીઓને તેમના હસ્તે જ મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારોહની સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના પણ કરવામાં આવશે. આ પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ અને તેના અન્ય પેજ પરથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *