શહેરના મોરબી રોડ પર લાતી પ્લોટ 6-3ના ખૂણે આવેલા ઇસ્માઇલજી ટિમ્બર નામના ડેલાની વિશાળ દીવાલ સોમવારે સવારે અચાનક જ ધડાકા સાથે ધરાશાયી થઇ ગઇ હતી. કાળા પથ્થર અ્ને બેલાની બનેલી દીવાલ પડતાં ત્યાંથી પસાર થઇ રહેલું છોટાહાથી વાહન અને એક બાઇક ઉપરાંત દીવાલ પાસે પાર્ક કરાયેલું એક આઇસર, અેક હોન્ડા અને બે બગી કાટમાળમાં દબાયા હતા.
શહેરના કાશીવિશ્વનાથ પ્લોટમાં રહેતા અબ્દુલભાઇ અબ્બાસભાઇ લાકડાવાલાનો લાતી પ્લોટમાં ઇસ્માઇલજી ટિમ્બર નામે ડેલો આવેલો છે. જેમાં તેઓ બાંધકામમાં ઉપયોગમાં લેવાતા લાકડાંના ટેકા સહિતનો વેપાર કરે છે. સોમવારે સવારે ડેલાની 12 ફૂટ ઊંચી અને 2 ફૂટ પહોળી પથ્થર, ઇંટ અને બેલાની વિશાળ દીવાલ ધરાશાયી થઇ હતી. દીવાલનો કાટમાળ ત્યાંથી પસાર થઇ રહેલા છોટાહાથી અને બાઇક તેમજ પાર્ક કરાયેલા વાહનો પર પડ્યો હતો. ઘટનાને પગલે દેકારો મચી ગયો હતો. કાટમાળમાં છોટાહાથીમાં બેઠેલા બે લોકો અને બાઇકચાલક દબાયા હતા. ઘટના અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ કામગીરી શરૂ થઇ હતી.
કાટમાળમાં દબાયેલા લાતી પ્લોટમાં રહેતા જયરાજભાઇ મહેશભાઇ ચૌહાણ (ઉ.વ.22), ભગવતીપરાના એજાઝભાઇ ભીખુભાઇ આરબ (ઉ.વ.23) તથા સત્યમ પાર્કમાં રહેતા વસંતભાઇ આત્મારામભાઇ ઠક્કર (ઉ.વ.55)ને લોકોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયરાજભાઇ અને અેજાઝભાઇ છોટાહાથી વાહનમાં હતા. બંને લાતી પ્લોટમાં ચોકલેટના ગોડાઉનમાંથી માલ ભરીને રવાના થયા હતા ત્યારે દીવાલ ધરાશાયી થઇ હતી અને કાટમાળ છોટાહાથી વાહન પર પડ્યો હતો તેમજ વસંતભાઇ ખીરૂ વેચી ગુજરાન ચલાવેે છે. તેઓ પણ બાઇક પર પસાર થતા હતા ત્યારે કાટમાળમાં દબાયા હતા. આ ઉપરાંત કાટમાળ પડવાથી એક આઇસર, એક બાઇક અને બે બગીમાં પણ નુકસાન થયું હતું. ડેલાના માલિક અબ્દુલભાઇએ જણાવ્યું હતું કે, 50 વર્ષ જૂની દીવાલ હતી જોકે જર્જરિત નહોતી, દીવાલ કેવી રીતે પડી તે અંગે પોતે અજાણ હતા. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.