પત્રિકા વિવાદમાં રાજકોટ લોધિકા સંઘ પર કરેલા આક્ષેપો પાયાવિહોણા છે. આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને તેને વિવાદમાં સંડોવવાના કાવતરા છે. પત્રિકા ફરતી કરનારા સામે કાર્યવાહી કરવી જોઈએ તેમ રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. વધુમાં તેને જણાવ્યું હતું કે, ચેરમેન પદે મારી નિમણૂક જિલ્લા પ્રભારીની નિમણૂકના 14 દિવસ પહેલાં થઇ હતી. જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની નિમણૂક પણ હું રિપીટ થયા બાદ 23મા દિવસે થઈ હતી.
પત્રકારોને સંબોધતા રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પ્રભારી દવે વિરુદ્ધ પ્રસિદ્ધ કરાયેલા નનામા પત્રમાં પણ હળાહળ ખોટી વિગતોની ભરમાર લખાયેલી છે. પત્રના પ્રારંભે જ એવો પાયાવિહોણો આક્ષેપ કરાયો છે કે, જિલ્લા પ્રભારી તરીકેની નિમણૂક બાદ સૌ પ્રથમ ધવલ દવેએ સાત આંકડાનો વહીવટ કરી રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની નિમણૂક કરી હતી અને તેમાં જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ મદદ કરી હતી.