શહેરમાં રૈયા રોડ પાસેના આર.એમ.સી. ક્વાર્ટરમાં રહેતા યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. છેલ્લા ચારેક દિવસથી પત્ની રિસામણે ચાલી જતાં લાગી આવતા યુવકે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
રૈયા રોડ પર આરએમસી ક્વાર્ટરમાં રહેતા બળદેવભાઇ સાંગાભાઇ કેવાડિયા (ઉ.24) એ પોતાના ઘેર પંખામાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પાડોશીએ નજર કરતાં યુવક લટકતો હોય જાણ કરતાં 108ની ટીમે પહોંચી તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ જયસિંહ ઝાલા સહિતના સ્ટાફે યુવકના મૃતદહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં યુવક મજૂરીકામ કરતો હોવાનું અને ચારેક દિવસ પહેલાં તેની પત્નીએ ઝઘડો કરી રિસામણે ચાલી જતા લાગી આવતા આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.