પતિના ત્રાસથી કંટાળી એક મહિનાથી પતિથી અલગ સંતાનો સાથે રહેતી મહિલાના ઘરે ધસી જઇ પતિએ મકાનમાં તોડફોડ કરી હતી. મહિલા પોતાના જૂના ઘરે પહોંચતા પતિએ ત્યાં અાતંક મચાવ્યો હતો અને પત્ની તથા બે પુત્રીને છરીના ઘા ઝીંક્યા હતા તેમજ યુવાન પુત્રીના હાથ પર એક્ટિવા ચડાવ્યું હતું. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
નવાગામ 56 ક્વાર્ટર્સમાં રહેતા જશોદાબેન દીપક ચાવડા (ઉ.વ.42), તેની બે પુત્રી કંગના (ઉ.વ.18) અને ઇશા (ઉ.વ.15)ને લોહિયાળ હાલતમાં સોમવારે મધરાતના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે પૂછપરછ કરતાં મહિલા અને તેની બે પુત્રી પર તેના જ પતિએ છરીથી હુમલો કર્યાનું ખુલ્યું હતું. જશોદાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2001માં દીપક ચાવડા સાથે થયા હતા અને લગ્ન જીવન દરમિયાન બે પુત્રી અને એક પુત્ર શિવ (ઉ.વ.7)ની પ્રાપ્તિ થઇ હતી. પતિ દીપક ચાવડા લાંબા સમયથી ઘરમાં ધમાલ કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી એક મહિનાથી જશોદાબેન બંને પુત્રી અને પુત્ર સાથે નવાગામ 56 ક્વાર્ટર્સમાં રહેવા જતા રહ્યા હતા. પતિ દીપક આનંદ ચાવડા થોરાળાના ગોકુળપરામાં રહે છે.