રેલવે કર્મચારી પતિના શારીરિક-માનસિક ત્રાસને કારણે રિસામણે બેઠેલી પરિણીતાએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ભરણપોષણ મેળવવા પોણા બે વર્ષ પહેલાં કરેલી અરજીમાં અદાલતે માસિક રૂ.20 હજાર ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, હાલ પતિથી અલગ રહેતી પૂજાબેનના લગ્ન તા.7-2-2018ના રોજ રેલવે કર્મચારી પ્રશાંત વાલજી ડાભી સાથે થયા હતા. લગ્નજીવનના થોડા સમય બાદથી જ પરિણીતા પૂજાબેનને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય જે બાબતે બન્ને પરિવારો વચ્ચે વારંવાર સમાધાન બાદ પણ પતિના વાણી વર્તનમાં ફેરફાર ન થતાં પૂજાબેન પિયર રિસામણે ચાલ્યા ગયા હતા અને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અદાલતમાં ભરણપોષણ માગતી અરજી કરી હતી. જે કેસ ચાલી જતાં અરજદારના વકીલ અમિત ગડારાએ એવી રજૂઆત કરી હતી કે, સાસરિયાં પક્ષે પરિણીતાને માનસિક ત્રાસ-દુ:ખ આપતા હતા. પત્નીનો વિના કારણે ત્યાગ કરેલ હોય તેથી કાયદાકીય જોગવાઇ મુજબ ભરણપોષણ આપવાની કાયદેસરની જવાબદારી પતિની બને છે. જેથી અરજદાર સામાવાળાના સમકક્ષ જીવન જીવી શકે. જે દલીલો ધ્યાને લઇ અદાલતે અરજીની તારીખથી પતિને માસિક રૂ.20 હજાર ચૂકવવા અને અરજી ખર્ચ પેટે રૂ.2500 ચૂકવવા હુકમ કર્યો હતો. આ ચુકાદાથી પતિએ .4.20 લાખ એરિયર્સ પણ ચૂકવવું પડશે.