શહેરના જિલ્લા ગાર્ડન પાસેના સોરઠિયા પ્લોટમાં રહેતા શખ્સે પત્નીએ છૂટાછેડા આપી દેતા તેનો દ્વેષ રાખી પૂર્વ સસરાના ઘર નજીક જઇ પૂર્વ સસરા તેમજ તેના ભાઇઓના ત્રણ સ્કૂટરમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું તેમજ પૂર્વ સસરાને તથા તેની પૂર્વ પત્નીને ધમકી આપી હતી. સોરઠિયા પ્લોટમાં રહેતા ભરતભાઇ રામજીભાઇ ખીમસુરિયા (ઉ.વ.59)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે તેના પૂર્વ જમાઇ સોરઠિયા પ્લોટમાં જ રહેતા મહાવીર મહેન્દ્ર સરવૈયાનું નામ આપ્યું હતું. ભરતભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી વનિતાએ દોઢેક વર્ષ પહેલાં મહાવીર સરવૈયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને વચ્ચે મનમેળ નહીં રહેતા ગત તા.1 જુલાઇના વનિતાએ નોટરી કરી મહાવીર સરવૈયા સાથે છૂટાછેડા લઇ લીધા હતા.
છૂટાછેડા થયા તે સાંજે જ મહાવીર તેના પૂર્વ સસરા ભરતભાઇના ઘર પાસે છરી લઇને નીકળ્યો હતો અને ભરત તથા તેની દીકરીને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ગત તા.23ની રાત્રીના ત્રણેક વાગ્યે મહાવીર સરવૈયા ફરીથી ભરતભાઇના ઘર પાસે ગયો હતો અને ઘરની બહાર પાર્ક કરાયેલા ભરતભાઇના સ્કૂટરમાં, પાડોશમાં રહેતા તેમના ભાઇઓ દિલીપભાઇ અને કમલેશભાઇના સ્કૂટરમાં તોડફોડ કરી હતી. ત્રણ ત્રણ સ્કૂટરમાં તોડફોડ કરાતા તેનો અવાજ સાંભળી ભરતભાઇના ભાઇ દિલીપભાઇના પત્ની વર્ષાબેન જાગી ગયા હતા અને તેઓ બહાર નીકળતા મહાવીર સરવૈયા નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી મહાવીર સરવૈયાની શોધખોળ શરૂ કરી હતી.