પતિ સાથે ઝઘડા બાદ સગર્ભા પત્નીએ ઝેર પીધું, ગર્ભમાં રહેલા શિશુ સહિત બંનેનાં મોત

પતિ સાથે થયેલા ઝઘડાનો કરુણ અંત આવ્યો હોય તેવો બનાવ રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. પતિ સાથે બોલાચાલી અને મારઝૂડ બાદ સાત મહિનાની સગર્ભા પત્નીએ ઝેરી દવા પી લેતાં ગર્ભમાં રહેલા બાળક અને માતા બંનેનું મોત થતાં મોટામવા નજીક ઝૂંપડામાં રહેતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. મૃતક 20 વર્ષીય પાયલબેનને બે વર્ષની દીકરી પણ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાયલબેન અજયભાઈ મીડોલિયા (ઉંમર 20) મોટામવા ગામે પેન્ટાગોન પાછળ ઝૂંપડામાં પતિ અને પરિવાર સાથે રહેતી હતી. તેનો પતિ અજય ગોપાલ મીડોલિયા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે છ દિવસ પહેલાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ આ દરમિયાન પતિએ પત્નીને ફડાકા માર્યા હતા.

ઘટનાથી દુઃખી બનેલી પાયલે પોતાના ઝૂંપડામાં જ ફ્રૂટ સલાડમાં ઉંદર મારવાની ઝેરી દવા નાખી પી લીધી હતી. જોકે તેણે આ અંગે કોઈને જાણ કરી નહોતી. ઝેર પીધા પછી થોડા દિવસ સુધી તેણે વાત છુપાવી રાખી હતી. તા.10 માર્ચે સવારના સમયે તેની તબિયત અચાનક બગડતા પરિવારજનોએ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરી હતી. પાયલ સાત મહિનાની સગર્ભા હોવાથી તબીબોએ તપાસ કરતાં ગર્ભમાં બાળકને ગંભીર નુકસાન થયાનું જણાયું હતું.

ડોક્ટરોએ તાત્કાલિક ડિલિવરી કરાવતાં પાયલે મૃત બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પાયલની હાલત વધુ ગંભીર બનતાં તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન ગત મોડી રાત્રે તેનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પાયલના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા અને તેને બે વર્ષની એક દીકરી છે. બનાવની જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પાયલના માવતર પક્ષના સગાઓ સાયલા ખાતે રહેતા હોવાથી તેમને પણ જાણ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *