પતિને બાથરૂમમાં થૂંકવાની ના કહેતા પત્નીના મોં પર થૂંકી ફટકારી

શહેરની સહજાનંદ વાટિકા સોસાયટીમાં ચાર વર્ષના પુત્ર સાથે રહેતી યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ કરી હતી. લગ્ન બાદ પતિ-પત્ની રહેતા હતા ત્યારે ગામડેથી નણંદ આવી ગઇ હતી અને તે હેરાન કરતી હતી. પતિ પણ છાશવારે મારકૂટ કરતો હતો.

સહજાનંદ સોસાયટીમાં રહેતી નિકિતા મહિડા (ઉ.વ.30)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ શૈલેષ મહિડા, સાસુ મંજુલા, સસરા મંગા માણસુર મહિડા અને નણંદ મનિષા મહિડાના નામ આપ્યા હતા. નિકિતાએ ફરયિાદમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ તેના સાસરે ઉપલેટાના વડાળી ગામે થોડા દિવસ રહ્યા બાદ પતિને રાજકોટમાં નોકરી હોય બંને રાજકોટ આવી ગયા હતા. થોડા દિવસ બાદ નણંદ મનિષા પણ નોકરી માટે રાજકોટ આવી હતી અને સાથે રહેતી હતી એટલું જ નહીં રાત્રે તે ભાઇ-ભાભી સાથે એક જ પલંગ પર સૂતી હતી. કોરોના સમયે પતિ અને નણંદની નોકરી છૂટી જતાં ગામડે રહેવા ગયા હતા. એ વખતે નિકિતા સગર્ભા હોય તેને જમવાનું ભાવતું નહોતું તો સાસુ-સસરા મેણાં મારતા કે આને અહીંનું ખાવા-પીવાનું ભાવતું નથી અને ઘરના લોકો પણ ગમતા નથી અને શૈલેષને ચડામણી કરતા હતા.

સીમંતનો પ્રસંગ પૂરો કરી નિકિતાને તેના પિયર મૂકી ગયા હતા અને પુત્રનો જન્મ થયા બાદ પણ તેડી જતા નહોતા. સાસરિયામાં કોઇ પ્રસંગ હોય ત્યારે લઇ જતાં અને પ્રસંગ પૂરો થાય એટલે મૂકી જતા હતા. બાદમાં પતિ રાજકોટમાં સાથે રહેવા આવી ગયો હતો, પરંતુ તે દારૂનો નશો કરી મારકૂટ કરતો હતો. બાથરૂમમાં શૈલેષે થૂંકતા નિકિતાએ બાથરૂમમાં થૂંકવાની ના કહેતા શૈલેેષ ઉશ્કેરાયો હતો અને તેણે નિકિતાના મોં પર થૂંકી મારકૂટ કરી તેને ઢસડીને બહાર કાઢી હતી. ત્યારબાદ શૈલેષને છાપરા ગામે નોકરી હોય ત્યાં પતિ, પત્ની અને પુત્ર રહેતા હતા, પરંતુ શૈલેષને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તે નિકિતાને ત્રાસ આપતો રહેતો હતો અને અંતે નિકિતા અને તેના પુત્રને મૂકીને નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *