રાજકોટ જિલ્લામાં પડધરી, વીરપુર અને પાટણવાવ સહિત નવા 09 સબ ડિવિઝનની સરકારમાંથી મંજૂરી મળતા હવે ત્યાં સ્ટાફ નિયુક્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. નિયત કરતા વધુ ગ્રાહકો એક જ સબ ડિવિઝનમાં થઇ જતા સમયાંતરે તે સબ ડિવિઝનમાંથી બાયફર્કેશન કરવામાં આવે છે. એવી જ રીતે જુદા જુદા સબ ડિવિઝનમાંથી નવા 9 સબ ડિવિઝન બનશે.
આવું કરવાથી વીજગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પાડી શકાશે. પીજીવીસીએલ વીજ વિતરણ વ્યવસ્થા વધુ સારી બનાવી શકશે. 9 સબ ડિવિઝનમાં રાજકોટ જિલ્લાના 3 ઉપરાંત આ સિવાય બોટાદના વડોદ, પોરબંદરના આજીવાડા, જામનગરના ફલ્લા, જૂનાગઢના મોટા કોટડા, પાલિતાણાના વિઠલપુરમાં નવા સબ ડિવિઝન બનશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધતા શહેરીકરણ-વસ્તીથી વીજમાંગમાં સતત વધારો થઈ રહ્યો છે. વીજવિતરણ વ્યવસ્થામાં સાતત્ય જળવાય રહે અને લોકોને પૂરતા પ્રમાણમાં વીજળી આપી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં ત્રણ સહિત સૌરાષ્ટ્રમાં નવા 9 સબ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. કુલ અંદાજિત 335 જગ્યાઓ-સ્ટાફનું નવું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.